રાજકોટ,તા.૭

રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીને આધારે સિવિલ હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. જ્યાં ઇમર્જન્સી રૂમમાં ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર ફરજ દરમિયાન દારૂ ઢીંચતો હતો અને નશાખોર હાલતમાં દર્દીઓની સારવાર કરતો ઝડપાયો હતો. પોલીસે ડોક્ટર રૂમની તલાશી લેતા તેના કબાટના ખાનામાંથી દારૂનો જથ્થો પણ મળી આવતા તબીબનો ભાંડો ફૂટી ગયો હતો. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના છઝ્રઁ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે, સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર પોતાની ડ્યૂટી દરમિયાન હોસ્પિટલમાં જ દારૂ ઢીંચે છે. જેથી ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતો. એ સમયે ડો.સાહિલ ખોખર ઇમર્જન્સી રૂમની બહાર કાચની કેબિનમાં એક નર્સ સાથે બેઠો હતો, ડો.ખોખરને ક્રાઇમ બ્રાંચની ટીમે પોતાની ઓળખ આપી તેનું માસ્ક હટાવતાં જ ડોક્ટર ખોખર નશાખોર હાલતમાં મળી આવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડો.સાહિલ ખોખરને કેસબારીની સામે આવેલા ડોક્ટર રૂમમાં લઇ જવાયો હતો, જ્યાં લાકડાંના કબાટમાં તેનું ખાનું ખોલાવતાં જ પાણીની બોટલમાં દારૂ ભરેલો મળ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડો.ખોખર ચારેક વર્ષથી કરારી તબીબ તરીકે ફરજ બજાવે છે. તેણે પોલીસ પાસે કબુલ્યું છે કે તે જ્યારે પણ ફરજ પર હોય ત્યારે ડોક્ટર રૂમમાં જઇને દારૂના ઘૂંટડા મારી ફરી ઇમર્જન્સી રૂમમાં આવી જતો હતો. હાલ સમગ્ર મામલે હ્લૈંઇ ફાઈલ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડો. એસ.પી.રાઠોડે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે ૩ અધિકારીઓની તપાસ કમિટી બનાવવામાં આવી છે. તપાસ કમિટી દ્વારા સમગ્ર મામલે તપાસ કરી ૨૪ કલાકમાં પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ વડી કચેરીએ મોકલી કાર્યવાહી કરવામાં આવશે.