રાજકોટ હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસમાં રાજકોટ જિલ્લાનાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં ગઈકાલે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ પડતાં ઠેર-ઠેર ઉભા પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને પડધરી તાલુકામાં આવતા અનેક ગામોમાં એરંડા-તુવેર સહિતના પાક ધોવાઇ જતા જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ અંગે ખેડૂત આગેવાન દિલીપ સખીયાએ સરકાર સમક્ષ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની માગ કરી છે. ખેડૂત આગેવાન દિલીપ સખીયાએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ ચાર વર્ષથી કમોસમી વરસાદનું પ્રમાણ દિવસે-દિવસે વધતું જાય છે. વાતાવરણમાં પણ બદલાવ આવી રહ્યો છે. જ્યારે પણ માવઠું થાય ત્યારે જગતનો તાત મોટામાં મોટી નુકસાનીનો ભોગ બનતો હોય છે. હાલ શિયાળાની ઠંડીમાં કમોસમી વરસાદ થતાં ફરીથી એકવાર ખેડૂતોની હાલત કફોડી બની છે. જ્યાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે, ત્યાં લાંબા ગાળાનાં પાક જેવા કે એરંડા, તુવેર અને મરચીનાં પાકને વ્યાપક નુકસાન થયું છે. બીજીતરફ પશુપાલકો માટે મહત્ત્વના ચારા મકાઈ અને જુવાર ઊંચા હોવાથી તેને પણ ખૂબ નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત શિયાળામાં પશુપાલકોનો ચારો ખુલ્લામાં પડ્યો રહેતો હોય છે. જેને ઢાંકવાની વ્યવસ્થા કે સમય ન રહેતા અચાનક પડેલા આ વરસાદને કારણે મોટું નુકસાન થતા પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. પશુપાલકો માટે સોનાની કિંમતનો ગણાતો ચારો ધોવાઈ જતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ શિયાળાની સિઝન હોવાથી ખેડૂતો દ્વારા શિયાળુ પાક જેવા કે, ધાણા, જીરું, અને ડુંગળીનું વાવેતર કરાયું હતું. આવા પાકોમાં અચાનક ઉપરથી પાણી પડતા મોટી નુકસાની ખેડૂતોએ ભોગવવી પડી છે. હાલ મગફળીની સિઝન પણ પાંચ ટકા બાકી છે.