સુરેન્દ્રનગર, જિલ્લાના સાયલા તાલુકાના છેવાડાના વિસ્તારમાંથી પોલીસને સસ્તા અનાજની દુકાને મળતા ઘઉં, ચોખા, તુવેરદાળના જથ્થો કિંમત રૂ. ૭.૩૪ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેના આધારે સાયલા મામલતદારે તપાસ હાથ ધરતા મઢાદ, ટુવા અને ગુંદિયાળા ગામેથી છૂટક તેમજ સમિતિની દુકાનેથી આ જથ્થો ખરીદી કર્યો હોવાનું બહાર આવતા ત્રણ રેશનિંગ દુકાનદારો સામે ગુન્હો દાખલ કરતા ચકચાર મચી ગઇ છે.એસઓજીની ટીમે થોડા દિવસો પહેલા સાયલાના હોળીધાર વિસ્તારમાં યોગાભાઇ ભરવાડના મકાનમાં રહેતા વિજયભાઇ કુલધરિયાના ઘેરથી ઘઉં ૫૩૦ કટ્ટા ચોખા ૧૧૦ કટ્ટા, તુવેરદાળ ૧૮ કટ્ટા સહિત કુલ ૬૫૮ કટ્ટા સહિત ફૂલ રૂ.૭.૩૪ લાખનો સરકારી અનાજનો જથ્થો કબજે કર્યો હતો. જે અંગે સાયલા મામલતદાર પી.બી. કરગટિયાએ તપાસ હાથ ધરી હતી. જેમાં વિજયએ ૪ મહિનામાં રૂ. ૩૦૦થી રૂ.૩૫૦ના ભાવે ઘઉંની ખરીદી કરી હતી. રેશનિંગ દુકાન ચલાવતા મોટા મઢાદના રાઠોડ હલુભાઇ ઉર્ફે હરપાલસિંહ અજુભાઇ, ગુંદિયાળાના પઢિયાર જસુભાઇ ભાવાનસંગ અને ટુવા ગામના પરમાર છગનભાઇ પાસેથી ઘઉં, ચોખા અને તુવેરદાળનો મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો જે રેશનકાર્ડધારકોને વિતરણ કરવાનો હોય તે અનાજનો જથ્થાની ખરીદી કરી હોવાનું બહાર આવ્યું હતું.આથી વિજય સહિત ૩ રેશનિગ દુકાનદારો સામે સાયલા પોલીસે ગુનો દાખલ કરતા દોડધામ મચી ગઇ છે.