બપોર બાદ વાતાવરણે કરવટ બદલતાં વરસાદી માહોલ સાથે ઠંડક છવાઈ
27, મે 2023

વડોદરા, તા.૨૭

છેલ્લાં કેટલાંક દિવસથી આગઝરતી ગરમી અસહ્ય ઉકળાટ બાદ ગરમીના તાપમાનમાં ઘટાડો નોંધાતાં શહેરમાં અચાનક વાતાવરણે કરવટ બદલતાં નમતી બપોરે સમગ્ર શહેરમાં વરસાદી માહોલ સર્જાયો હતો. જેથી શહેરીજનોમાં વહેલા વરસાદની આશા બંધાઈ છે. ચોમાસાની સીઝનના ડાકલાં વાગી રહ્યાં છે ત્યારે આકાશમાં વરસાદી વાદળોની ફોજ આવી પહોંચતાં શહેરમાં ધૂપછાંવનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ હવામાન વિભાગે પણ આ વખતે ૧૪મી જૂને ચોમાસું વહેલું હોવાની આગાહી કરી છે. જાે કે, ઉત્તર ભારતમાં ચોમાસું શરૂ થયું છે, જેની અસર વર્તાવાની શકયતાને નકારી શકાય તેમ નથી. આ સાથે ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવા સાથે ચાલુ વર્ષે ૯૬ ટકા સરેરાશ વરસાદ વરસી શકે છે.

આજે શહેરમાં દિવસ દરમિયાન હેરાન કરતી ગરમીનું મહત્તમ તાપમાન ૩૮.૮ ડિગ્રી સેલ્શિયસ અને લઘુતમ તાપમાન ર૮.ર ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું. આ સાથે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૭૧ ટકા અને સાંજે ૪૪ ટકા નોંધાયું હતું. જ્યારે દિવસ દરમિયાન પવનની ગતિ પ્રતિકલાક ૧૮ કિ.મી. નોંધાઈ હતી. આજે પવનની ગતિ વધુ હોવાથી જાહેર માર્ગો પર ધૂળની ડમરીઓ ઊડી રહી હતી. જેથી વાહનચાલકો હેરાનપરેશન થયા હતા. જાે કે, ગતિ સાથે ફૂંકાઈ રહેલા પવનને લીધે આજે અસહ્ય ગરમીનો ઓછો અહેસાસ થઈ રહ્યો હતો. ઉનાળાની વિદાયની સાથે ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આજે બપોર બાદ શહેરમાં અચાનક વાતાવરણે કરવટ બદલતાં સમગ્ર શહેરમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને વરસાદના આગમનનો અણસાર આવી રહ્યો હતો. દિવસ દરમિયાન છેલ્લાં બે દિવસથી તેજ ગતિથી ફૂંકાઈ રહેલા પવનોને કારણે આજે વોર્ડ નં.૧૧થી વાસણા રોડ પર જવાના માર્ગ પર આવેલ વર્ષોજૂનું મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું, જેને કારણે એક તરફનો માર્ગ બંધ કરી દેવાતાં ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. જાે કે, કોઈ જાનમાલને નુકસાન થવા પામ્યું ન હતું. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને થતાં સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને જાહેર માર્ગ પર તૂટી પડેલ ઝાડને ખસેડીને ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution