19, એપ્રીલ 2022
બોટાદ,ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, ૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શનમાં અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં રાજયના યુવાનોમાં દેશ ભક્તિ વધે તે માટે બાઇક યાત્રા ૬ એપ્રિલેથી શરૂ થઇ છે. આજે બોટાદ જિલ્લાથી અમદાવાદ જિલ્લા તરફ જતા બાઇક યાત્રામાં બુલેટ પર કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલા જાેડાયા હતા. યુવા મોરચાની બાઇક રેલીમાં કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાજી આવતા યુવા કાર્યકરોમાં ઉત્સાહમાં વધારો થયો હતો. યુવા મોરચાની બાઇક રેલી કર્ણાવતી મહાનગરથી પ્રસ્થાન થઇ હતી અને આશરે ૨૦ થી વધુ જીલ્લા-મહાનગરોમાં પસાર થઇ અંદાજે ૧૫૦૦ કિમીનો પ્રવાસ પુર્ણ કર્યો છે. યુવા મોરચાની બાઇક રેલી સુરત ખાતે પુર્ણ થશે અને આ યાત્રા કુલ આશરે ૩૫૦૦ કિમીનો પ્રવાસ કરશે. આ યાત્રા દ્વારા રાજયના યુવાનોને દેશ પ્રત્યે જાગૃતી લાવવા, દેશને આઝાદી અપાવવા જે યુવાનોએ બલીદાન આપ્યું છે તેમજ કોરોનાના કપરા કાળમાં જે કોરોના વોરિયર્સએ જીવ ગુમાવ્યો છે તેમને શ્રદ્ધાંજલી આપી તેમના ઘરના પરિવારના સભ્યને મળી, શહિદોની માટી એકત્ર કરવામાં આવનાર છે. રાજયના યુવાનોમાં દેશ પ્રત્યે લાગણી વધારવા ભાજપના યુવા મોરચાના કાર્યકરો દ્વારા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી ડો.પ્રશાંતભાઇ કોરાટની આગેવાનીમાં નવી સિદ્ધી પ્રાપ્ત કરવા આગળ વધી રહ્યો છે.