વડોદરા, તા.૧૧ 

જન્માષ્ટમી પુર્વે શહેર-જિલ્લામાં શ્રાવણિયા જુગારની મહેફિલો પર પોલીસે દરોડો પાડી ૫૩ની હજારોની રોકડ તેમજ મોબાઈલ ફોન અને વાહનો સાથે અટકાયત કરી હતી.

કારેલીબાગ પોલીસે ગત મધરાતે બે વાગ્યાના અરસામાં રેનબસેરા એકતાનગર બાવનચાલીમાં સ્ટ્રીટલાઈટના અજવાળામાં જુગાર રમી રહેલા રેઈનબસેરા અને આસપાસના વિસ્તારના ૮ જુગારિયાઓને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા ૧૯,૫૭૦ જપ્ત કર્યા હતા. તેવી જ રીતે પાણીગેટ પોલીસે આજે બપોરે કિશનવાડી ઝંડા ચોકમાં જાહેરમાં જુગાર રમી રહેલા કિશનવાડી વિસ્તારના ૭ જુગારિયાઓને ઝડપી પાડી તેઓની પાસેથી ચાર મોબાઈલ ફોન અને રોકડ સહિત ૨૦,૭૬૦ની મત્તા કબજે કરી હતી. બાપોદ પોલીસે બે સ્થળે પાડેલા દરોડામાં આજવા-વાઘોડિયારોડ પર બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ સાંનિધ્ય ટાઉનશીપના મકાન નંબર એ-૩૬માં જુગાર રમી રહેલા મકાનમાલિક હરીશ દુસેજા સહિત છ જુગારિયાઓને ઝડપી પાડી તેેઓની પાસેથી રોકડ તેમજ પાંચ મોબાઈલ ફોન અને જુગાર રમવા આવવા માટે ઉપયોગમાં લીધેલા બે વાહનો સહિત ૪૫,૧૨૦ની મત્તા જપ્ત કરી હતી. જયારે ગત રાત્રે દસ વાગે કિશનવાડી જયઅંબે નગરમાં મકાનોની આડમાં સ્ટ્રીટલાઈટના અજવાળામાં જુગાર રમતા છ જુગારિયાઓએ ઝડપી પાડી રોકડા ૧૯,૪૯૦ કબજે કર્યા હતા. તેવી જ રીતે મકરપુરા પોલીસે મકરપુરા એરફોર્સ પાસે અંબિકાનગરમાં આજે બપોરે ખુલ્લામાં જુગાર રમતા પાંચની રોકડા ૧૧,૩૭૦ સાથે અટકાયત કરી હતી અને છાણી પોલીસે આજે બપોરે દશરથગામ હઠી ફળિયામાં ચોક પાસે જાહેરમાં જુગાર રમતી ત્રિપુટીને બે મોબાઈલ ફોન અને રોકડ સહિત ૧૨,૭૨૦ની મત્તા સાથે ઝડપી પાડ્યા હતા.ભાદરવા પોલીસે ગત બપોરે દોડકાગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે રોડની બાજુમાં ઝાડ નીચે જુગાર રમી રહેલા નવ જુગારિયાાોની રોકડ ૧૫,૫૦૦ સાથે અટકાયત કરી હતી જયારે વરણામા પોલીસે ધનિયાવી ગામના સ્કુલ કમ્પાઉન્ડની પાછળ જુગાર રમતી ત્રિપુટીને રોકડા ૧૦,૭૦૦ સાથે ઝડપી પાડી હતી.શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજે મોડી સાંજે હરણી રોડ પર આવેલા સૂર્યદીપ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ૩૧૧ નંબરના ફ્લેટમાં દરોડો પાડ્યો હતો અને ફ્લેટમાં જુગાર રમી રહેલા દિનેશ જીવનલાલ વાળા, ભૂપેન્દ્ર ખીમચંદ શાહ, જગદીશ શંકરલાલ પટેલ, કલ્પેશ મંગળભાઇ બારિયા, તુષાર અનિલભાઇ કોઠારી અને નીતિન શાહને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા ૫૫,૭૦૦ તેમજ પાંચ મોબાઇલ ફોન અને બે મોપેડ સહિત ૧,૧૮૭૦૦ રૂા.નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.