17, સપ્ટેમ્બર 2021
ગોધરા, તા.૧૬
ગોધરા બી ડિવિઝન પોલીસ મથક ની કસ્ટડી માં આરોપીએ પોતાની જાતે મોતને વ્હાલું કરી ચાદર થી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટના ના પગલે જીલ્લા પોલીસ વડા સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા. કસ્ટડીમાં લાગેલા સીસીટીવી કેમેરા ના ફુટેજ ચેક કરતા બહાર આવ્યું હતું કે આરોપીએ પોતાની જાતે રાત્રી ના સમયે ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો છે.
સેવાલીયા થી ગોધરા
મોપેડ ગાડી પર ગૌમાંસનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી બી ડીવીઝન પોલીસ ને મળી હતી જે બાતમી ના આધારે પોલીસ વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન ભામૈયા ઓવરબ્રિજ પાસે બાતમી મુજબ નું મોપેડ વાહન રોકી તપાસ કરતા જેમાં આગળ થેલો મુકેલ હતો જે ખોલી જાેતા માંસ ભરેલ હતું તેમજ ગાડીની ડીકીમાં પણ માંસનો જથ્થો હોવાથી પોલીસે કાસીમ અબ્દુલ્લા હયાત રહે,ઈદગાહ મોહલ્લા નાઓની અટકાત કરી પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યો હતો પોલીસે માંસના જથ્થા અંગે પુછપરછ કરતા આ માંસનો જથ્થો સેવાલીયા રેલ્વે સ્ટેશનની બાજુમાં રહેતો અબ્દુલકાદર કુરેશી પાસેથી લાવેલ હોવાનું જણાવ્યું હતું. જે જથ્થો તાહેરા હનીફ પીત્તલ ,મદિના સુલેમાન ઈતરા, સફુરા ઈશાક હયાત,સફીયા રફીક વાઢેલ, તેમજ મુન્ની ફારૂક પિત્તળ ગોધરા નાઓને આપવાનું હતું જેથી પોલીસે ઝડપી પાડેલ માંસના જથ્થાનો સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલતા ગૌમાંસ હોવાનું બહાર આવતા પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જે ગુનામાં ઝડપાયેલા કાસીમ અબ્દુલ્લા હયાતની પોલીસે કાયદેસર ની ધરપકડ બાદ શહેર બી ડીવીઝન પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો જેણેે બુધવાર ની રાત્રે પોતાની જાતે ચાદરથી ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
પોલીસના મારથી આરોપીનું મોત નિપજ્યું હોવાની અફવાઓથી માહોલ ગરમાયો
ગોધરા બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રાત્રી દરમ્યાન પોલીસ ની હાજરી હોવા છતાં આસાનીથી આરોપીએ ચાદર વડે ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતા પોલીસ ની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. કેટલાક લોકોએ પોલીસ ના મારથી આરોપીનું મોત નિપજ્યું હોવાની અફવાઓ ફેલાવતા માહોલ ગરમાયો હતો અને મોટી સંખ્યામાં લધુમતિ સમાજ ના ટોળા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા ત્યારબાદ પોલીસે સમાજના આગેવાનો સાથે બેઠક કરી સાચી હકીકત અને સીસીટીવી ફુટેજ બતાવી મામલો થાળે પાડયો હતો.