સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૪ સ્થળે બોગસ મતદાનની ઘટના બની
01, માર્ચ 2021

ગાંધીનગર,  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનમાં બોગસ મતદાનની ઘટના એક બે નહિ પરંતુ ચાર ચાર જિલ્લામાં સામે આવી છે. જેમાં પાટણ, પોરબંદર, કચ્છ અને નવસારીમાં આવા પ્રકારના કેસ નોંધાયા છે. જયારે સૌથી ચોંકાવનારી બાબત તો કચ્છ જિલ્લામાં ૮૦ વર્ષિય વૃદ્ધાના નામે કોઈ બોગસ મતદાન કરી ગયું હતું.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન આજે એક કે બે નહિ પરંતુ ચાર ચાર જિલ્લામાં બોગસ મતદાનની ઘટનાઓ સામે આવી હતી. જેમાં પાટણ જિલ્લામાં બોગસ મતદાન થયું હોવાની વિગતો સામે આવી છે. જેમાં પાટણના વોર્ડ નં-૭માં બે મતદાર મતદાન કરવા પહોંચ્યાના પહેલા જ તેમના બદલે કોઈ મતદાન કરી ગયું હોવાનું સામે આવ્યું છે. જેમાં સ્થાનિક વિસ્તારમાં રહેતા માતા અને પુત્ર મતદાન કરવા માટે મતદાન મથક પહોંચતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ માતા અને પુત્રના નામે અન્ય કોઈ વ્યક્તિ મતદાન કરી ગયુ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે મતદાન કર્યા વિના જ માતા-પુત્ર પરત ફર્યા હતા. આ અંગે ફરજ પરના અધિકારીઓએ દોષનો ટોપલો એજન્ટો ઉપર ઢોળી દીધો હતો.

જયારે બીજી ઘટનામાં પોરબંદર જિલ્લાના બગવદરમાં બોગસ વોટિંગનો પ્રયાસ સામે આવ્યો છે. બગવદરમાં એક મતદાર દ્વારા બોગસ વોટિંગનો પ્રયાસ કરાયો હતો. સંવેદનશીલ ગણાતા બુથ પર બોગસ વોટિંગનો પ્રયાસ થયો છે. આ જિલ્લા ભાજપના અગ્રણીનો ગઢ ગણાય છે. શખ્સ બોગસ વોટિંગ કરે તે પહેલા જ પોલીસે અટકાવ્યો હતો. બગવદર પોલીસે અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

જયારે કચ્છ જિલ્લાના સામખિયાળી મતદાન કેન્દ્રમાં બોગસ મતદાન થયું હતું. જેમાં ૮૦ વર્ષીય વૃદ્ધ મહિલાના નામે અન્ય કોઈ વ્યક્તિ મતદાન કરી ગયું હતું. આ વૃદ્ધ મહિલાની આપવીતી દર્શાવતો એક વીડિયો વાયરલ થયો છે. નવસારીમાંથી પણ એક બોગસ મતદાર ઝડપાયો હતો. જેમાં નવસારી નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૮ માં બોગસ મતદાન કરવા આવેલો એક બોગસ મતદાર ઝડપાયો હતો. કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ શંકાના આધારે પૂછપરછ કરતા બોગસ મતદાર હોવાનું સામે આવ્યું છે. આ બોગસ મતદાન કરવા માટે આવેલો યુવાન બહારના રાજ્યનો હોવાનું અનુમાન થઈ રહ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution