આગામી સમયમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે આવશે
17, મે 2022

રાજકોટ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષમાં પ્રાણ ફૂંકવાની કવાયત જાેરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપૂતે મિડિયાને જણાવ્યું હતું કે,આગામી સમયમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના લોકચાહના ધરાવતા કોંગ્રેસના નેતાઓ સૌરાષ્ટ્ર અને ગુજરાતની મુલાકાતે પ્રચાર માટે આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં ૧૯ મે, ગુરુવારના રોજ બપોરે ૧ કલાકે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળશે. જે શહેરના હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે. આ બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને રઘુ શર્મા સહિત આગેવાનો હાજર રહેશે. આ બેઠકમાં સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસના આગેવાનો ઉમટી પડશે. સૌરાષ્ટ્ર ઝોન બાદ અન્ય ત્રણ ઝોનમાં પણ બેઠક યોજાશે.

આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણી સહિતની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ૨૦૨૨ની ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે. કેજરીવાલની ભવ્ય સભા બાદ હવે રાહુલ ગાંધીનું પણ મિશન સૌરાષ્ટ્ર છે. હાલ તમામ રાજકીય પક્ષોની નજર સૌરાષ્ટ્રની વિધાનસભા પર મંડાયલી છે. તો બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ મેના રોજ રાજકોટના જસદણ તાલુકાના આટકોટ ગામે આવી રહ્યા છે. પહેલા ૨૯ મેએ આવનાર હતા પરંતુ હવે ૨૮ મેએ આટકોટ આવશે તેવું ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ સત્તાવાર રીતે જણાવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution