પ્રાંથળમાં વન, પોલીસ અને ખાણ-ખનીજ તંત્ર મૂક પ્રેક્ષકની ભૂમિકામાં
20, મે 2022

કચ્છ, ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ધીમેધીમે માઝા મૂકી રહી હોય તે રીતે ખનીજ માફિયાઓ હોય કે, બુટલેગરો કે પછી બીજા કોઈ ગોરખ ધંધાઓના કારણે દેશની સુરક્ષા સામે સવાલો ખડા થયા જેમા પછી વન તંત્ર હોય પોલીસ વિભાગ હોય કે પછી ખાણ ખનીજ ખાતું મૂક પ્રેક્ષકની ભૂમિકા નિભાવે છે કે, પછી ભ્રષ્ટાચારનો એરૂ આભડી ગયો હોય તેવું લાગી રહ્યું છે.

પાકિસ્તાનની રાષ્ટ્રીય સરહદથી માત્ર પચાસ કિલોમીટર દૂર પ્રાથળના રાસાજી ગઢડા અને લોદ્રાણી નજીક સરહદની રક્ષા કરતા ડુંગરો ખુલ્લેઆમ ખોદાઈ રહ્યા છે, જેમાં આડી કે સીધી રીતે વનતંત્રની મીલીભગત હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે. રાસાજી ગઢડા અને નીલાગર મહાદેવ વચ્ચે આવેલા ડુંગરોમાં ખુલ્લેઆમ દૈનિક ૨૫થી ૩૦ ટ્રેકટરો વડે નજીકના બાલાસર, ગઢડા, લોદ્રાણી, જાટાવાડા, જિલ્લારવાંઢ અને છેક દેશલપર સુધી ધારના લાલ દેશી પથ્થરો પહોંચે છે. હાલે એક ટ્રેકટર પથ્થરના ૧૨૦૦થી ૧૫૦૦ લેવાય છે, જેમાં વનપાલ તરફથી એક ટ્રેકટર દીઠ બસો રૂપિયા ઉઘરાવાતા હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે.

જાે કે, મહત્વની વાત એ છે કે, આ પથ્થરો કાઢવા માટે ત્યાં જાેરદાર ટોટા ફોડીને બ્લાસ્ટ કરાય છે ત્યારે સવાલ થાય છે કે, આવડા મોટા બ્લાસ્ટનો નીલાગરથી રાસાજી ગઢડા સુધી લોકો સાંભળી શકે છે તો શું વનપાલ કે, જંગલ ખાતાને નહીં સાંભળાતા હોય તેવા સવાલો સ્થાનિક લોકો દ્વારા ઉઠી રહ્યા છે. જાે આ પ્રકારે ખોદકામ જારી રહેશે તો સરહદની નજીક અડીખમ ઉભા રહેલા ડુંગરો થોડાક સમયમાં નામશેષ થઇ જશે. આ પ્રવૃત્તિના કારણે ઘુડખર, ચિકારા, રોજડા વગેરે કચ્છના નાના રણ તરફ પ્રયાણ કરી ગયા છે. તો આ જ રીતે જીરો બોર્ડર નજીક ખાનગી કંપની એમકેસી દ્વારા ચાલતા કામોમાં લોદ્રાણી, સીરાનીવાંઢ, ખડીરના અમરાપર સુધી રણ વિસ્તારમાં આવેલા ડુંગરો અને ધાર ખુલ્લેઆમ ખોદાઈ રહી છે, જેમાં રોજના દૈનિક ૨૦થી ૩૦ ડમ્પરો દ્વારા દેશી પથ્થર ઘડુલી-સાંતલપુર હાઇવે રોડ અને જીરો બોર્ડર ઉપર રોડના કામોમાં નખાઈ રહ્યા છે, તેમ છતાં પણ રાપરની ઉત્તર અને દક્ષિણ રેન્જ ફોરેસ્ટ વિભાગ મૂક પ્રેક્ષક બનીને જાેઈ રહ્યું છે. પ્રતિ ડમ્પરના મહિને ત્રણ હજાર અને ટ્રેકટરના બસો દીઠ મહિને લાખોની રોકડી કરાઈ રહી છે અને માત્ર અંગત સ્વાર્થના કારણે ખુલ્લેઆમ દેશની સુરક્ષામાં છીંડા પાડવામાં આવી રહ્યા છે.

દેશની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આ પ્રકારના બ્લાસ્ટ કઈ રીતે ચલાવાઈ લેવાય તેવા પ્રશ્નો વચ્ચે રાહતની વાત એ છે કે, જયાં પથ્થરો બ્લાસ્ટ કરીને ખોદાઈ કરાય છે, તેની નજીક માત્ર ત્રણ કિલોમીટર દુર બીએસએફનો કેમ્પ છે. જેથી સાંજ પડતાં જ આવા ખનીજ માફિયાઓના પ્રવેશ પર અને રાત્રિના સમયે લાઈટ ચાલુ રાખવાની મનાઈ છે નહીંતર અહીં ગેરકાયદેસર પ્રવૃતિઓ રાત-દિવસ ધમધમે તેમ છે પરંતુ બીએસએફ કેમ્પ નજીક હોઈ જવાનો સાંજથી જ મોરચો સંભાળી લે છે અને કોઈ શખ્સ કે, સાધનને પ્રવેશ નથી અપાતો, જેના કારણે રાત્રિના ભાગે ટોટા નથી ફોડી શકાતા જેના કારણે વન્ય પશુ પ્રાણીઓ જેવા કે ઘુડખર, ચીંકારા, નીલગાય, મોર વગેરે આરામથી નિંદ્રા માણી શકે છે. આ બાબતે ગઢડા રેન્જના ફોરેસ્ટર મોહન પરમારનો સંપર્ક સાધતા તેમણે તપાસ કરવાનું કહ્યું હતું. તો લોદ્રાણી, રાસાજી ગઢડા, સહિત ઉત્તર રેન્જના આરએફઓ સી.કે. પટેલને ગઢડા નજીક કોઈ પથ્થરની લીઝ આવેલી છે, કે કેમ બાબતે જણાવ્યું હતું કે, આ સાઈડમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ લીઝ મંજૂર કરાઇ નથી..

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution