28, નવેમ્બર 2021
કચ્છ, કચ્છના નાના રણમાં સુરખાબ પક્ષીઓની લાઇનબદ્ધ અનોખી માળા વસાહત જાેવા મળતાં અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમે રણમાં પડાવ નાખી સવિસ્તૃત માહિતી મેળવી હતી. દર વર્ષે હજારો કિ.મી. દૂર આવેલા સાઇબેરિયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ વેરાન રણમાં ચોમાસું ગાળવા આવે છે. વધુમાં રણમાં અસ્તિત્વ ધરાવતાં ૭૪ જેટલા નાના-મોટા બેટ વિદેશી નયનરમ્ય પક્ષીઓને માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત આવાસ પુરા પાડે છે.આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી નયનરમ્ય પક્ષીઓ અહીં મહાલવા આવ્યાં છે. થોડા સમય અગાઉ ઝીંઝુવાડાના નાગબાઇ રણમાં સુરખાબનું નેસ્ટિંગ જાેવા મળ્યું હતું, પરંતુ રણમાં ભારે વરસાદને પગલે નેસ્ટિંગ ફેલ થયું હતું. ત્યારે ફરીથી માળા વસાહત જાેવા મળતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમે રણમાં પડાવ નાખ્યો હતો. નોંધનીય છે કે સુરખાબ સમૂહમાં માળા બનાવે છે અને ચારેબાજુ અડધા ફૂટ જેટલું પાણી હોવાથી ૪૦થી ૪૫ ચોરસ મીટર ઊંચા ઢગલા બનાવી એના ઉપર ઇંડાં મૂકે છે, જેથી સંવનન બાદ બચ્ચાં નીકળે ત્યારે એને સહેલાઇથી ખોરાક મળી રહે છે. બાદમાં સુરખાબ પક્ષીઓ રણમાં બચ્ચાંને ઊડતા શીખવાડી ચોમાસા બાદ એની સાથે સામૂહિક ઉડાન ભરે છે.
કચ્છના નાના રણમાં કૂડાથી ૧૦ કિ.મી.દૂર વેરાન રણમાં ફરીવાર ૫ હજાર ઇંડાં અને ૩૦ હજાર જેટલાં બચ્ચાં સાથે ૪૦ હજારની અનોખી માળા વસાહત જાેવા મળી હતી, જેને પગલે અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમે રણમાં પડાવ નાખ્યો હતો. આ પહેલાં નાના રણમાં એક વિશાળ માળા વસાહત વચ્છરાજ બેટની દક્ષિણે તથા જલંધર બેટમાં ઓગસ્ટ ૧૯૯૮માં નોંધાઇ હતી. આ વસાહત ૨૫૦ જેટલા એકરમાં નોંધાઇ હતી. એમાં હજારોની સંખ્યામાં માળા હતા. એક અંદાજ પ્રમાણે ઓગસ્ટ ૧૯૯૮માં મળી આવેલી અનોખી માળા વસાહતમાં ૨૫ હજારથી ૩૦ હજાર જેટલા માળા, ૩૦ હજાર જેટલાં પુખ્ત ઉંમરનાં પક્ષીઓ અને ૨૫ હજાર જેટલા બચ્ચાં હતાં. ૫૦૦૦ ચો.કિ.મી.માં ફેલાયેલા ખારાઘોઢા રણમાં બજાણા વેટલાઇન અને કોળધાની ખરીમાં અંદાજે ૨ લાખથી વધુ વિદેશી નયનરમ્ય પક્ષીઓ મહાલવા આવ્યાં છે. હાલમાં આ ૨ લાખથી વધુ પક્ષીઓ સામે અભ્યારણ્ય વિભાગમાં ૧ આર.એફ.ઓ., ૬ રાઉન્ડ ફોરેસ્ટર, ૪ બીટગાર્ડ મળી માત્ર કુલ ૧૧ જણાનો જ સ્ટાફ છે. અભયારણ્યના વિભાગ બજાણા વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિલ રાઠવા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગર વન વિભાગને સેટેલાઇટ ઇમેજમાં કૂડા-કોપરણી રણમાં નેસ્ટિંગ કર્યાની સેટેલાઇટ ઇમેજ મળી હતી, જેને આધારે તપાસ કરતાં સુરખાબની અનોખી માળા વસાહત, ફ્લેમિંગો અને હજારો બચ્ચાં જાેવા મળ્યાં હતાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આની પહેલાં ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની જગ્યા પાછળ સુરખાબોએ નેસ્ટિંગ કરવાની શરૂઆત કરી હતી, જે ૨૦૦-૩૦૦ જેટલા માળા બનાવ્યા પછી રણમાં મુશળધાર વરસાદ પડતાં એમનું નેસ્ટિંગ નિષ્ફળ ગયું હતું.