ચોટીલા ચોટીલામાં રહેતા ૨ મિત્રે સુરેન્દ્રનગર સહિત રાજ્યના ૮ જિલ્લામાં બાઇકની ચોરી કરી હતી. ૩ આરોપી પાસેથી ચોરેલી ૭.૬૦ લાખની કિંમતની કુલ ૪૦ બાઇક મળી હતી. મુખ્ય સૂત્રધાર અને મૂળ ચોટીલાનો વતની સિરાજ અમેરિકામાં રહીને ડ્રાઇવિંગનું કામ કરી મહિને રૂ.૧.૫૦ લાખનો પગાર મેળવતો. તેને પ્રેમ થતાં લગ્ન કરવા ચોટીલા આવ્યો હતો, પણ લગ્ન ન થતાં ગુનાખોરીના રવાડે ચડી ગયો હતો. બાઇકની ચોરી કરીને વેચ્યા પછી બંને મિત્રો દારૂની મહેફિલ માણતા હતા અને બાઇકની ચોરી કરતા હતા. એલસીબીએ જુદી જુદી ટીમો બનાવીને સ્ટાફને ખાસ વોચ રાખવા તાકીદ કરી હતી. અજયસિંહ ઝાલાને મળેલી હકીકતને આધારે એન.ડી.ચૂડાસમા, નિકુલસિંહ, ભૂપેન્દ્રભાઇ, વાજસુરભા, જુવાનસિંહ, ઋતુરાજસિંહ સહિતની ટીમે વોચ ગોઠવી રાજકોટ-અમદાવાદ હાઇવે પર વણકી ગામના બોર્ડ પાસેથી સિરાજ, રાજુને ચોરીની બાઇક સાથે પકડ્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ બાઇકચોરીનાં કારસ્તાનોની વિગતો જણાવી હતી. સાયલાના ધારાડુંગરી ખાતે રામસિંગની વાડીએ છુપાવેલી બાઇક સાથે ત્રણેયને પકડી લીધા હતા. સુરેન્દ્રનગરમાંથી દોઢ વર્ષમાં ૫ બાઇકની સાથે વાપી, વલસાડ, રાજકોટ, સેલવાસ, ભરૂચ, અમદાવાદ, જામનગર સહિતના જિલ્લામાં બાઇકની ચોરી કરી હતી. બાઈક વેચવા ગ્રાહકોને કહેતા કે આ કંપનીમાંથી છૂટેલી જૂની બાઇક છે. થોડા દિવસોમાં આરસી બુક આવશે. સિરાજ ઉર્ફે ચિન્ટુ મનુભાઈ કાપડિયા ૨૦૧૮માં ચોટીલા, ગઢડામાં જાલી નોટોનું કાંડ કર્યું હતું. ૩ વર્ષ પહેલાં વિઠ્ઠલાપુર અને ચોટીલામાં ૧૧ બાઇક ચોરીમાં પકડાયો હતો. રાજુ ગીલાણી ૩ વર્ષ પહેલા વિઠ્ઠલાપર અને લીંબડીમાં કુલ ૪ બાઇક ચોરીમાં પકડાયો હતો. રામસિંગ જકશીભાઈ બોહકિયા ચોટીલા પોલીસમાં ૮ બાઇક ચોરીમાં પકડાયો હતો.