દિલ્હી

૨૦૨૨માં પાંચ રાજ્યમાં સમયસર ચૂંટણી યોજવાનો વિશ્ર્‌વાસ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ દર્શાવ્યો હતો.માર્ચ ૨૦૨૨માં ચાર રાજ્ય - ગોવા, મણીપુર, પંજાબ અને ઉત્તરાખંડ તથા મે ૨૦૨૨માં ઉત્તર પ્રદેશમાં હાલની વિધાનસભાની પાંચ વર્ષની મુદત પૂરી થવાની છે.

ચંદ્રાએ જણાવ્યું હતું કે બિહાર, પશ્રિ્‌ચમ બંગાળ અને અન્ય ચાર રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી વખતે અમે ઘણો અનુભવ મેળવ્યો છે. ચૂંટણી યોજવી એ ચૂંટણીપંચની મુખ્ય ફરજ છે. આવતા વર્ષે પાંચ રાજ્યમાં વિધાનસભાની મુદત પૂરી થાય એ અગાઉ અમે સમયસર ચૂંટણી યોજીને ચૂંટણીમાં જીતનારા ઉમેદવારની યાદી રાજ્યપાલોને સોંપી શકીશું એવો અમને વિશ્ર્‌વાસ છે.કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને શું તેઓ પાંચ રાજ્યમાં ચૂંટણી યોજી શકશે, એવા સવાલના જવાબમાં એમણે પૂર્ણ વિશ્ર્‌વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચોક્કસ યોજી શકીશું. આમેય કોરોનાની બીજી લહેર હવે ઓસરી રહી છે અને અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે થોડા સમયમાં એ સંપૂર્ણ રીતે ઓસરી જશે. તમે તો જાણો છો કે અમે રોગચાળા દરમિયાન બિહાર અને પશ્રિ્‌ચમ બંગાળ સહિત ચાર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સમયસારણી પ્રમાણે ચૂંટણી યોજી હતી. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણીપુરમાં ભાજપનું શાસન છે અને પંજાબમાં કાૅંગ્રેસની સરકાર છે.