સુરત-

ભાજપે પહેલી વખત ૨૬ બિનગુજરાતી ઉમેદવારને ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ઉધના અને લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલાં મરાઠી મતદારો પરંપરાગત રીતે ભાજપને વફાદાર રહ્યા છે પરંતુ ઉત્તર ભારતીય મતદારોનો ઝોક ભાજપ અને કોંગ્રેસ તરફ હોવાથી આ વખતે સાત ઉત્તર ભારતીયોને ભાજપની ટિકિટ આપવામાં આવી છે. મિની ભારત તરીકે ઓળખાતા સુરતમાં દેશના ૨૯ પૈકી ૨૨થી વધુ રાજ્યના ૧૭ લાખથી વધુ લોકો વસવાટ કરે છે. પરપ્રાંતીય સમાજની વસતી મુખ્યત્વે અઠવા, ઉધના અને લિંબાયત ઝોન વિસ્તારમાં છે. અઠવા ઝોનમાં રાજસ્થાની સમાજ જ્યારે ઉધના અને લિંબાયત વોર્ડમાં મરાઠી, ઉત્તર ભારતીય તથા તેલુગુ, ઓરિસ્સા સમાજના લોકોની વસતી છે. ઉધના અને લિંબાયતની પેનલમાં સંતુલન રાખીને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે ૧૩ મરાઠી ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે જેમાં દસ મરાઠી પાટીલ, એક મરાઠી હલબા, એક મરાઠી માળી અને એક મરાઠી ફુલમાળીનો સમાવેશ થાય છે.

ભાજપે સાત ઉત્તર ભારતીયોને ટિકિટ આપી છે જેમાં ત્રણ ઉત્તરપ્રદેશના બ્રાહ્મણ ઉમેદવાર છે જ્યારે બે ઉત્તરપ્રદેશના રાજપૂત, એક યાદવ તથા એક બિહારી રાજપૂત છે. ભાજપે રાજસ્થાની રાજપૂત, બે રાજસ્થાની બ્રાહ્મણ, એક અગ્રવાલ અને એક મહેશ્વરી સમાજના છે. ભાજપે એક તેલુગુ ઉમેદવારને પણ ટિકિટ આપી છે. તો એકપણ ઓરિસ્સાવાસી નથી. શહેરમાં ૧૭ લાખથી વધુ પરપ્રાંતીયને આકર્ષવા માટે ભાજપે ૨૬ પરપ્રાંતીય ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ૩૪ બિનગુજરાતી ઉમેદવારોને ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

૩૪ બિનગુજરાતીમાં ૧૫ ઉત્તર ભારતીય, ૧૩ મરાઠી, ૫ રાજસ્થાની અને ૧ તેલુગુ ઉમેદવારનો સમાવેશ થાય છે. જ્યારે ૩૧ પાટીદાર, ૨૯ ઓબીસી જ્ઞાતિના ઉમેદવારોને ટિકિટ આપી છે. આ ઉપરાંત એસટી-એસસીના ૧૬ ઉમેદવાર અને ૬ વકીલ, ૩ એન્જિનિયરને ટિકિટ ફાળવતાં તેઓએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. કોંગ્રેસે ફોર્મ ભરવાની અવધિ પૂરી થયાના સાત કલાક બાદ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જાે કે કોંગ્રેસ પણ ભાજપની જેમ બિનગુજરાતીઓને એટલું જ મહત્વ આપ્યું છે. સુરતમાં તેલુગુની વસ્તી નોંધનીય હોવાથી એક તેલુગુ ઉમેદવારને ટિકિટ આપી છે. તેવી જ રીતે ઉધના, લિંબાયત, ડિંડોલી તરફ મરાઠીઓની સંખ્યા વધુ હોવાથી આ તરફની બેઠક પર મરાઠીઓને ટિકિટ આપવામાં આવી છે. તેવી જ રીતે એસસીની ૮ મળી એસસી-એસટીના ૧૬ ઉમેદવારને ટિકિટ આપી છે.