વાપીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 35 ફોર્મ ભરાયાં
13, ફેબ્રુઆરી 2021

વાપી-

વાપી તાલુકા પંચાયતની 20 બેઠક, જિલ્લા પંચાયતની 4 બેઠક માટે તો, ઉમરગામ તાલુકા પંચાયતની 30 બેઠક અને જિલ્લા પંચાયતની 8 બેઠક માટે, નગરપાલિકાની 28 બેઠક માટે ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યાં હતાં. પોતાના સમર્થકો સાથે પહોંચેલા ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યાં હતાં. વાપી તાલુકા પંચાયત ખાતે ભાજપે તાલુકા પંચાયતની 20 બેઠક અને જિલ્લા પંચાયતની 4 બેઠક માટે વિજય મુહૂર્તમાં ઉમેદવારો પાસે ફોર્મ ભરાવ્યાં હતાં. શુક્રવારે એક જ દિવસમાં વાપી તાલુકા પંચાયત ખાતે ભાજપે કુલ 20 બેઠક માટેના દાવેદાર ઉમેદવારોના ફોર્મ ભરાવ્યાં હતાં. કોંગ્રેસે 8 ફોર્મ ભર્યાં હતાં. જ્યારે 3 અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ ભરતા કુલ 31 ફોર્મ ભરાયાં હતાં.

ભાજપના ઉમરગામ નગરપાલિકાના કન્વીનર ટીનુ બારીએ જણાવ્યું હતું કે, શુક્રવારે શુભ મુહૂર્તમાં તમામ 28 સભ્યોના ફોર્મ ભરી દેવામાં આવ્યાં છે. શનિવારથી તમામ સાતેય વૉર્ડમાં કાર્યકરો સાથે ચૂંટણી પ્રચારનો શુભારંભ કરવામાં આવશે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાંય હરિફાઈમાં નથી. એટલે ભાજપ તમામ બેઠક કબજે કરશે. જોકે, ટિકિટની વહેંચણીમાં કેટલાક કાર્યકરોને મનદુઃખ થયું છે, જેમને મનાવવા માટે પણ બેઠકોનો દોર શરૂ કર્યો છે. નારાજ કાર્યકરો પણ ભાજપની પડખે ઊભા રહેશે અને જંગી બહુમતથી વિજય અપાવશે. ઉમેદવારી ફોર્મ પ્રક્રિયા દરમિયાન તાલુકા પંચાયતે અને નગરપાલિકા ખાતે સ્થાનિક ધારાસભ્ય, તાલુકા પ્રમુખ, મહામંત્રી સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution