ભરૂચ : ભરૂચમાં ગોલ્ડનબ્રિજને સમાંતર બની રહેલા ૪ માર્ગીય નર્મદા મૈયા બ્રિજનું ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલના હસ્તે રથયાત્રાના પવિત્ર દિવસ ૧૨ જુલાઈએ લોકાર્પણ થવા જઈ રહ્યું હોય ભરૂચ-અંકલેશ્વરની પ્રજા અને વાહનચાલકોની આતુરતાનો અંત આવશે. આ સાથે જ ૧૪૧ વર્ષ જુના ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ ઉપર ટ્રાફિકની સમસ્યા કાયમ માટે ભૂતકાળ બની જતા ફાસ્ટેગ મોડના નવા યુગમાં સડસડાટ વાહન વ્યવહાર દોડશે.

ઔદ્યોગિક ગઢ ભરૂચ અને અંક્લેશ્વર શહેર વચ્ચે ૧૪૧ વર્ષથી અડીખમ ઉભેલો અંગેજાેએ નિર્માણ કરેલો સાંકળો ગોલ્ડનબ્રિજ વધતી આબાદી તેમજ વાહનોની ભરમાર વચ્ચે નર્મદા નદી ઉપર નવા બ્રિજની તાતી જરૂરિયાત ઉભી થઇ હતી.છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષ ઉપરાંતથી બન્ને શહેરની પ્રજા ગોલ્ડનબ્રિજ ઉપર સર્જાતા ટ્રાફિકજામમાં પીસાઈ રહી હતી. પ્રજા સાથે વાહન ચાલકો અને ગોલ્ડનબ્રિજને પણ વર્ષો જૂની ટ્રાફિકજામનું ભારણ વેઠવું પડતું હતું.

કરોડરજ્જુ સમાન ગોલ્ડન બ્રિજ અંગેજાેના શાસનથી લઈ આઝાદી બાદ સ્વરાજમાં ૧૪૧ વર્ષથી અવિરત સેવા આપી રહ્યો છે. અને તેમાં વાહનોનું ભારણ વધતા નવા બ્રિજની જરૂરીયાત વર્તાતા ડિસેમ્બર ૨૦૧૫ માં નર્મદા મૈયા બ્રિજનું ખાતમુહુર્ત તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ-અંકલેશ્વરની જનતાએ વર્ષો સુધી ટ્રાફિકની વિકરાળ સમસ્યામાંથી પસાર થવું પડ્યું હતું પરંતુ હવે તેની આતુરતાનો અંત આવી ગયો છે અને નર્મદા મૈયા બ્રીજ સંપૂર્ણ રીતે તૈયાર થઇ જતા ૧૨ જુલાઈ રથયાત્રાના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. આ બ્રીજ અંદાજીત રૂા. ૪૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. અને તેના ઉદ્‌ઘાટન બાદ ટ્રાફિકની સમસ્યાનો નિવેડો આવી જશે.