મુંબઈ-

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં કારમી હાર બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ શ્રેણીમાં વાપસી પર નજર રાખી રહી છે. ત્રણ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમને 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બીજી મેચમાં ટીમને જીતવાની જરૂર છે, પરંતુ તેના માર્ગમાં મોટો અવરોધ છે અને આ અવરોધ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર હરમનપ્રીત કૌરની ફિટનેસ છે. ટીમની અનુભવી બેટ્સમેન હરમનપ્રીત કૌર પ્રથમ વન-ડે મેચમાં રમી શકી નહોતી અને હવે બીજી વન-ડેમાં પણ ટીમને તેના વિના ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે સંઘર્ષ કરવો પડશે. શુક્રવાર 24 સપ્ટેમ્બરના રોજ રમાનારી બીજી વનડે મેચ પહેલા ટીમના બેટિંગ કોચ શિવ સુંદર દાસે જણાવ્યું હતું કે હરમનપ્રીત કૌર પણ આ મેચમાં રમી શકશે નહીં.

32 વર્ષીય અનુભવી ખેલાડી હરમનપ્રીતને વનડે શ્રેણીની શરૂઆત પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી, જેના કારણે તે પ્રથમ મેચમાં પણ રમી શકી નહોતી. તે હજુ પણ તેમાંથી સાજા થયા નથી. મેકકોયમાં બીજી મેચ પહેલા પત્રકાર પરિષદમાં બોલતા દાસે હરમનપ્રીતની ફિટનેસ પર કહ્યું, "મને લાગે છે કે તે હજુ સુધી સંપૂર્ણ રીતે ફિટ નથી અને મને લાગે છે કે તે બીજી મેચ માટે પણ ઉપલબ્ધ નથી." ટીમ ઇન્ડિયા ત્રીજી વનડે સુધી ફરી ફિટ થવાની આશા રાખશે.