ભારતની વૈશ્વિક પ્રોડક્ટ કંપની 'Freshworks ' એ ઇતિહાસ રચ્યો, નેસ્ડેકમાં લિસ્ટિંગ થનારી પ્રથમ ભારતીય સાસ કંપની બની
23, સપ્ટેમ્બર 2021

ન્યૂયોર્ક-

ભારતીય સોફ્ટવેર-એઝ-એ-સર્વિસ (સાસ) કંપની ફ્રેશવર્ક્‌સે બુધવારે ઇતિહાસ રચ્યો. ફ્રેશવર્કસ પહેલી ભારતીય સાસ કંપની બની છે જેના શેર યુએસ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થઇ છે. બુધવારે ફ્રેશવર્ક્‌સ આઈપીઓને નાસ્ડેક ગ્લોબલ સિલેક્ટ માર્કેટમાં લિસ્ટ કરવામાં આવ્યું હતું. 

બિઝનેસ સોફ્ટવેર નિર્માતા ફ્રેશવર્ક્‌સે બુધવારે નાસ્ડેક પર ૪૩.૫ ડોલર પ્રતિ શેર પર ટ્રેડિંગની શરૂઆત કરી હતી. જે કંપનીના શેર દીઠ ૩૬ ડોલરના લિસ્ટિંગ ભાવથી ૨૧% વધીને કંપનીને ૧૨.૩ અબજ ડોલરની માર્કેટ કેપ આપી હતી. ત્યારબાદ કંપનીના શેરની કિંમત પ્રતિ શેર ૪૭.૯૮ ડોલર જેટલી ઉંચી પહોંચી ગઈ છે.


આ પ્રસંગે બોલતા ફ્રેશવર્કસના સહસ્થાપક ગિરીશ માતૃબુતમે કહ્યું મને લાગે છે કે જાણે કોઈ ભારતીયએ ઓલિમ્પિકમાં ૧૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હોય."

બિઝનેસ સોફ્ટવેર ઉત્પાદક ફ્રેશવર્ક્‌સનો આઇપીઓ ૨૦૨૧ ના સૌથી વધુ ચર્ચામાં રહેલા આઇપીઓ પૈકી એક છે. કોરોના મહામારી પછી વર્ક ફ્રોમ હોમ કલ્ચરમાં તેજીના કારણે સાસ ઉદ્યોગમાં ઘણો વિકાસ થયો છે. ફ્રેશવર્કસ અને તેના સહ-સ્થાપક ગિરીશ માતૃબુતમને ભારતીય સાસ ઉદ્યોગનો ચહેરો કહેવામાં આવે છે.


નેસ્ડેક માર્કેટસાઇટ પર લિસ્ટિંગ સમયે આયોજિત બેલ સમારોહ દરમિયાન ગિરીશે કહ્યું, “અમે વિશ્વને બતાવી રહ્યા છીએ કે ભારતની વૈશ્વિક પ્રોડક્ટ કંપની શું હાંસલ કરી શકે છે. અમે યુએસ માર્કેટમાં આવું કરનાર પ્રથમ ભારતીય છીએ, જે અનુભૂતિ છે અમને વધુ ખુશીઓ આપી. ફ્રેશવર્કસ માટે આ એક નવી શરૂઆત છે. "

તમને જણાવી દઈએ કે કંપનીની શરૂઆત ૨૦૧૦ માં ગિરીશ માતૃબુતમ અને શાન કૃષ્ણસામી દ્વારા ફ્રેશડેસ્ક તરીકે કરવામાં આવી હતી. ૨૦૧૭ માં તેને બદલીને ફ્રેશવર્ક કરવામાં આવ્યું. તેના રોકાણકારોમાં એક્સેલ, સેક્વોઇઆ કેપિટલ અને ટાઇગર ગ્લોબલનો સમાવેશ થાય છે. આઈપીઓ પહેલા ફ્રેશવર્કનું મૂલ્ય ૧૦ અબજ ડોલરથી વધુ હતું.

કંપનીએ તેના આઇપીઓ માટે પ્રતિ શેર ૩૬ ડોલરની કિંમત નક્કી કરી હતી. ફ્રેશવર્ક શેર બુધવાર યુએસ સમયથી વેપાર શરૂ કરી શકશે. કંપનીનું પ્રતીક "FRSH" છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution