વડોદરા,તા. ૨૬ 

સયાજી હોસ્પિટલના કોવિડ હોસ્પિટલમાં દિવસ દરમ્યાન નીકળતા બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે હોસ્પિટલનું તંત્ર ગંભીર બેદરકારી દાખવતું હોય તેવું આજે સ્પષ્ટપણે દેખાઈ આવ્યું હતું. કોવિડ હોસ્પિટલના દરવાજા બહાર જ બાયો મેડિકલ વેસ્ટની બે બેગ કલાકો સુધી રઝળતી હાલતમાં પડી રહેલી જોવા મળી હતી. તાજેતરમાં જ હોસ્પિટલમાં કોરોનાના બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે કમિટી બનાવવામાં આવી હોવા છતાં આ પ્રકારની બેદરકારીથી તંત્રને સારી કામગીરી કરવામાં કોઈ રસ જ ન રહ્યો હોય તેમ સ્પષ્ટપણે જોવા મળે છે.સયાજી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કોરોનાની સારવારમાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. જે અંગે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી હતી. જ્યારબાદ હોસ્પિટલમાં કોરોનાની સારવારને લગતી વિવિધ કમિટીઓ બનાવવામાં આવી હતી. જેમાં કોરોનાનાં બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે પણ એક કમિટી બનાવવામાં આવી હતી.જેની પાછળનું કારણ કોરોનાનો બાયો મેડિકલ વેસ્ટ સંર્ક્મણ ફેલાવી શકે તેમ હોવાનું છે. પરંતુ આજે સયાજી હોસ્પિટલના ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલની બહાર જ રસ્તા પર કોરોનાના બાયો મેડિકલ વેસ્ટના બે કોથળાઓ કલાકો સુધી રઝળતા પડી રહ્યા હતા. તે દરમ્યાનમાં સેંકડો લોકો તેની આસપાસથી ગુજરી ચુક્યા હતા. તેમ છતાં હોસ્પિટલ તરફથી તેના નિકાલ કે પછી યોગ્ય જગ્યાએ મુકવામાં પણ આવ્યા ન હતા. હોસ્પિટલના તંત્રની આ પ્રકારની ઘોર બેદરકારીથી અધિકારીઓને એ.સી કેબિનમાં બેસવા સિવાય કોઈ કામ કરવું જ ના હોય તેવું સ્પષ્ટપણે લાગી આવે છે.