ભૂજ, ભારત અને પાકિસ્તાન બોર્ડરની ગુજરાત સરહદ પર લાગેલી સોડિયમ લાઇટોની રોશની હવે આવતા વર્ષે એલ.ઇ.ડી. લાઇટની ચાંદી જેવી રોશની ઝગમગતી દેખાશે. રાજસ્થાન પછી હવે ગુજરાતના કચ્છ સિરક્રિક વિસ્તારમાં પાકિસ્તાન સરહદ પર લાગેલી સોડિયમ લાઇટને હટાવીને એલ.ઇ.ડી. લાઇટ લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. એલઈડી લાઈટથી વીજળીમાં પણ બચત થશે.સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં ૨૦૧૭-૧૮માં સોડિયમ લાઇટ હટાવીને એલઇડી લગાવવાનું કામ શરૂ થયું હતું જે હવે પૂર્ણ થઇ ગયું છે. રાજસ્થાન પછી હવે ગુજરાતના કચ્છ રણ વિસ્તારમાં પણ ૫૦૮ કિલોમીટરમાં ૨૯૭૦ પોલ પર ૧૧૮૦૦ સોડિયમ લાઇટ લાગેલી છે તે હટાવીને એલઇડી લાઇટ લગાવાશે. આવતા વર્ષે દિવાળીએ બોર્ડર પર પીળી રોશનીના બદલે ચાંદી જેવી રોશની ઝળહળી ઉઠશે. આવતી દિવાળી સુધી ફલ્ડ લાઇટ બદલવાનું કામ પૂર્ણ કરવાની નેમ પણ વ્યક્ત કરાઇ છે. પાકિસ્તાન સામેની ૫૦૮ કીમી લાંબી સીમાએ એલઇડી નખાશે. કચ્છ-ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદે લાઇટ બદલવાનું કામ ચાલુ થઇ ગયું છે. જેમ જેમ બજેટ આવતું જાય, તેમ તેમ કામગીરી આગળ ધપતી રહે છે. આ નિરંત પ્રક્રિયા છે. કચ્છની સીમા પર અન્ય કેટલાક કામ પણ આ રીતે ચાલી રહ્યા છે.સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી ભારતની ૩૩૨૩ કિલોમીટર સરહદ જમીન પર લાગુ પડે છે, જેમાં ભારતને મોટાભાગમાં તારબંધી કરી નાખી છે. તારબંધી પર રાત્રે નજર રાખવા માટે ભારતે ૨૦૦૯ કિલોમીટર લંબાઇમાં ફલ્ડ લાઇટ લગાવાઇ છે. જેમાં પંજાબ, રાજસ્થાનમાં ફલ્ડ લાઇટ બદલવાનું કામ પૂર્ણ થઇ ગયું છે. હવે ગુજરાતમાં આ કામગીરી ૨૦૨૨માં બાડમેરથી ગુજરાતના નડાબેટ એરીયાની બોર્ડર પર સોડિયમ લાઇટને બદલીને એલ.ઇ.ડી. લાઇટ લગાડવાનું શરૂ થશે.સૂત્રએ ઉમેર્યું હતું કે, ભારત-પાકિસ્તાન બોર્ડરની ગુજરાત સીમા પર અત્યારે ૨૯૭૦ પોલ પર ૧૧૮૦૦ સોડિયમ લાઇટ લાગેલી છે, દરેક પોલ પર ચાર લાઇટ લાગેલી છે. એક રાતમાં એક પોલ પર ૧૨ યુનિટ વિજળીનો વપરાશ થાય છે.