વડોદરા : માજી સાંસદ સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી લાફા મારનાર નવાપુરા પોલીસ મથકના પીએસઆઈ ડી.એસ.પટેલે તા.ર૮મીના રોજ બગીખાના પાસે જ એક ફેકટરી સંચાલકની ફેંટ પકડી ૪૦ ફૂટ સુધી ઢસડી ગયો હોવાની લેખિત ફરિયાદ પોલીસ કમિશનર અને નવાપુરા પીઆઈને આપવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. અગાઉ અન્ય પોલીસ મથકોમાં પણ ફરજ દરમિયાન આ પીએસઆઈ વારંવાર વિવાદોમાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા એને સસ્પેન્ડ કરવાની માગ કરાઈ છે. ફેકટરી સંચાલકે તો ન્યાય મેળવવા માટે અદાલત સમક્ષ જવાની તૈયારી દર્શાવી છે. 

તુંડમિજાજી કહેવાતા ડેનિસ પટેલ નામના આ પીએસઆઈએ તા.ર૮મીના રોજ સાંજે ૭ વાગે પત્ની અને ડ્રાઈવર સાથે કારમાં પસાર થતા કારેલીબાગ મેઘદૂત સોસાયટીમાં રહેતા રાકેશ શાહ સાથે ગુંડાઓને પણ શરમાવે એવા વર્તનથી શાહ પરિવાર ડઘાઈ ગયો હતો. જેમ તેમ ઘરે પહોંચ્યા બાદ બીજા જ દિવસે માજી સાંસદ સત્યજિતસિંહ ગાયકવાડ સાથે પણ કરેલા ઉદ્ધત વર્તનના અખબારી અહેવાલો બાદ આ દબંગ પીએસઆઈ પટેલ સામે પોલીસ કમિશનર અને પીઆઈને ફરિયાદ કરવાની તૈયારી કરી હતી.

પોલીસ કમિશનરે તા.૩૧મીએ આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.ર૮મીના રોજ મારી પત્ની અને ડ્રાઈવર સાથે પોલોગ્રાઉન્ડ લાડભવન પાસેથી પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન ત્યાં ઊભેલા પીએસઆઈ દ્વારા રોકવામાં આવતાં ગાડી ઊભી રાખી હતી. પોલીસે જણાવ્યું હતું કે, તમે માસ્ક પહેર્યું નથી, પરંતુ મેં તો માસ્ક પહેર્યું જ હતું અને મારો કોરોના અંગેનો ટેસ્ટ પોઝિટિવ હોવાથી મારે ફરજિયાત માસ્ક પહેરવું જ પડે એમ હોવાનું જણાવી હું પરત ગાડીમાં બેસવા ગયો હતો. આ જાેઈ ત્યાં ઊભેલા પોલીસ કર્મચારીએ આવીને મારી ફેંટ પકડી અને ધક્કા મારી ઢસડીને ૪૦ ફૂટ દૂર ઊભેલી પોલીસવાન સુધી લઈ ગયા હતા અને બંને પોલીસ કર્મચારીએ ત્રણ વખત જાેરજાેરથી ધક્કા મારી મને પોલીસવાનમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દૃશ્ય જાેઈ કારમાં બેઠેલી મારી પત્ની ગભરાઈ ગઈને દોડી આવી હતી અને વચ્ચે પડી મને છોડાવવાનો પ્રયાસ કરતી હતી. પરંતુ પોલીસ કર્મચારી અને અધિકારીએ એમની સાથે પણ ઉદ્ધત વર્તન કર્યું હતું, જેનાથી એ ડઘાઈ ગઈ હતી.

મારી પપ વર્ષની જિંદગીમાં ક્યારેય મારી સાથે કોઈ અધિકારીએ આવું વર્ત્ન કર્યું નથી. હું ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ છું અને મારા ત્રણ મેન્યુફેકચરિંગ યુનિટ છે, જ્યાં ૮૦ માણસો કામ કરે છે. આજ સુધી મારી સામે કોઈપણ પ્રકારનો કેસ થયો નથી. ત્યારે આવા ગેરવર્તણૂક કરનારા પોલીસના વ્યવહારને કારણે પ્રજાનો પોલીસ ઉપરથી ભરોસો ઊઠી ગયો છે. આવા લોકો સામે પગલાં નહીં લેવાય તો ઘણા લોકો ભોગ બનશે એમ જણાવી મારી ફરિયાદ ઉપર ધ્યાન નહીં અપાય તો નાછૂટકે મારે ન્યાય માટે વકીલનો સંપર્ક કરી અદાલત સમક્ષ જવું પડશે એમ લેખિત ફરિયાદમાં તેઓએ જણાવ્યું છે.

વાડી પોલીસ માસ્ક વગર વાહન ચેકિંગ કરતી નજરે પડી

માસ્ક વગરના વાહનચાલકો, રાહદારીઓને ઝડપી પાડવા માટે ન્યાયમંદિર પાસે ઊભેલી વાડી પોલીસ મથકની ટીમના એક જવાને જ માસ્ક ઉતારી મોબાઈલ ઉપર વાત કરતો નજરે પડયો હતો. સામાન્ય લોકો સાથે નાકની નીચે માસ્ક હોવા છતાં દંડ લેવા દાદાગીરી કરતા આ જવાનનો ફોટો એક જાગૃત નાગરિકે પાડી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો, જેને લઈને શહેરીજનોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો.