ગાંધીનગર,પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે દર્શને ગયેલા અનુસૂચિત જાતિના માણસો પર ગામના જ ૧૭ જેટલા શખસોએ ગત તા. ૨૬ની સવારે હુમલો કરી દીધાની ઘટના બની હતી, જેમાં આરોપીઓ ફરિયાદીના ઘર પર જીવલેણ હુમલો કરતાં છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ૧૭માંથી ૬ વ્યક્તિને ભચાઉ પોલીસે રાઉન્ડઅપ કરી લીધા છે. બાકીના શખસોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે. આ ઘટના અંગે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ગુજરાતના ગૃહમંત્રીને પત્ર દ્વારા ઘટનાની નિંદા કરી સમાજમાં વૈમનસ્ય ફેલાવતા આરોપીઓને ઝડપી સખત કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા દલિત પરિવારના લોકોનો વીડિયો દસાડા કોંગ્રેસના ધારાસભ્ય નૌસાદ સોલંકીએ ટિ્‌વટર પર પોસ્ટ કર્યો હતો. જ્યારે આ હુમલા બાબતે રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. સરકારે ભોગ બનનાર ૬ પીડિતોને ૨૧ લાખની સહાય ચૂકવાવાની જાહેરાત કરી છે. સમગ્ર ઘટના વિશે જણાવીએ તો ભચાઉના નેર ગામે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે દર્શને ગયેલા અનુસૂચિત જાતિના માણસો પર ૧૭ જેટલા શખસોએ ગત તા. ૨૬ની સવારે હુમલો કર્યો હતો. આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી પ્રથમ ખેતરમાં પહોંચી ૨ વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ કરી હતી તેમજ વાહનમાં તોડફોડ કરીને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાસી ગયા હતા. ત્યાર બાદ ૧૭ જેટલા આરોપીઓએ પ્રાણઘાતક હથિયારો સાથે ગામના મોમાંયનગર ખાતેના અનુસૂચિત વાસમાં પહોંચી ફરિયાદીના ઘર પર જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં ૬ જેટલી વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતાં લોહીલુહાણ હાલતમાં વધુ સારવાર હેઠળ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં પોલીસે ૧૭ આરોપી સામે હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચકચારી બનાવના પ્રત્યાઘાતરૂપે પૂર્વ કચ્છ એસપીની સૂચના તળે ભચાઉ ડીવાયએસપી ઝાલા સહિતના અધિકારીના માર્ગદર્શન હેઠળ નેર હુમલાના તમામ આરોપીઓને ઝડપી પાડવા ૯ ટીમ બનાવી સાધન શોધખોળ આદરાઈ હતી. એમાં ગઈકાલે ૫ શખસને ભચાઉ પોલીસે રાઉન્ડઅપ કરી લીધા હતા, જેમાં કાના નારણ કોણી, નારણ ઉર્ફે નાયા વેલાભાઈ આહીર, પબા સોમા રબારી, હેમા આભાભાઈ રબારી અને કાના સદુરભાઈ કોલીને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે બાકીના આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. આ મામલાની ગંભીરતાની નોંધ લઈ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ગુજરાતના ગ્રહમંત્રીને પત્ર દ્વારા ઘટનાની નિંદા કરી સમાજમાં વૈમનસ્ય ફેલાવતા આરોપીઓને ઝડપી સખત કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે, જ્યારે બનાવના પડઘા ભચાઉ તાલુકા અનુસૂચિત સમાજમાં પડતાં વિરોધનો શૂર ઊઠ્‌યો હતો, પરંતુ સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા અનુસૂચિત જાતિના અગ્રણીઓ સાથે તાકીદની બેઠક કરી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી. આ વેળાએ ખેતશી મારુ, વીરજી દાફડા, કાનજી રાઠોડ, સુરેશ કાંઠેચા, સુરેશ વાઘેલા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બનાવ અંગેની ફરિયાદ અનુસાર, ફરિયાદી જગા હમીર વાઘેલા પોતાના ઘરે હતા ત્યારે મંદિરમાં દર્શન કરવા મુદ્દે મનદુઃખ રાખી આરોપી કાના વેલા આહીર, જીવા ભચા આહીર, વેલા ભચા આહીર, કેસરા સોમા રબારી, અરજણ ભૂરા રબારી, દિનેશ જેરામ બાલાસરા, રાજેશ રામજી બાલાસરા, દિનેશ રામજી બાલાસરા, રાણા હરિ બલાસરા , નાયા વેલા આહીર, કાના રાઘુ કોલી, ભાણજી હમીર સુથાર સાથે અન્ય ચારથી પાંચ અજાણ્યા શખસોએ હુમલો કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકાર રાજ્યમાં સામાજિક સમરસતા જળવાય અને કોઇનેય આવા અત્યાચારનો ભોગ બનવું ન પડે તેવી પ્રતિબદ્ધતાથી કર્તવ્યરત છે.