દે.બારીયા, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ડુમકા ગામના સીમાડા ફળીયામાં રહેતા જનતાબેન પસાયા નામની ૪૮ વર્ષીય મહિલા ગતરોજ રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં તેમના ઘરની બહાર ખુલ્લા ઢાળીયામા ઉઘી રહ્યા હતા. જયારે તેમનો પુત્ર ઘરની અંદર અભ્યાસ કરી રહ્યો હતો. તે સમયે ઘરની બહાર ઢાળીયામાં ઉઘી રહેલી મહિલા ઉપર ત્યાં આવી ચઢેલા દિપડાએ અચાનક હુમલો કરી દેતા મહિલાએ બુમાબુમ કરતા તેમનો પુત્ર ઘરની બહાર દોડી આવ્યો હતો અને લાકડીનો સોટો દિપડા પર મારતા મહિલાને છોડીને દિપડો નાસી છૂટ્યો હતો. જયારે દિપડાના હુમલામાં મહિલાને જમણા હાથના ભાગે ઈજાઓ થતા ઈજાગ્રસ્ત મહિલાને ધાનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ધાનપુર વન વિભાગને થતા વન વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.