ભરૂચ, ભરૂચમાં નર્મદા નદી ઉપર ગોલ્ડનબ્રિજને સમાંતર ફોરલેન નર્મદા મૈયા બ્રિજ તૈયાર થઈ ગયો છે અને ૧૨મી એ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે ભરૂચ સિનિયર સિટીઝન કાઉન્સિલે ગોલ્ડનબ્રિજને દેશનું રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા કલેકટરને રજુઆત કરી છે. સાથે જ તેને વોકિંગ બ્રિજ બનાવવા પ્રસ્તાવ મુક્યો છે.

નર્મદા નદી ઉપર નિર્માણ પામી રહેલ નર્મદામૈયા બ્રીજ પૂર્ણતાને આરે છે અને ટૂંક જ સમયમાં તેનું લોકાર્પણ થવા જઈ રહ્યુ છે. ભરૂચ સીટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા ગોલ્ડન બ્રિજને સમાંતર નવો બ્રીજ બને તે માટે વર્ષ ૨૦૧૧થી રજુઆતો કરવામાં આવતી હતી. પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ જયારે માર્ગ અને મકાન વિભાગના મંત્રી હતા ત્યારથી આ બ્રીજ બનાવવા અંગેની માંગ કરવામાં આવી હતી. બાદમાં સ્થાનિક નેતાઓની સહાયથી આ સ્વપ્ન સાકાર થયું છે અને ટૂંક જ સમયમાં તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે.

ભરૂચ સિનિયર સિટીઝન કાઉન્સીલે રજુઆતમાં કહ્યું છે કે, હાલ ભરૂચ તેમજ અંકલેશ્વર વચ્ચે અંગ્રેજાેના જમાનાથી સતત ૧૪૧ વર્ષથી સેવા આપી રહ્યો છે. નર્મદા મૈયા બ્રીજનું લોકાર્પણ થાય ત્યાર બાદ ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવે તેવી રજૂઆત ભરૂચ સીટીઝન કાઉન્સીલ દ્વારા કરવામાં આવી છે. ભરૂચમાં અનેક હેરીટેજ સ્થળો આવેલા છે ત્યારે તેમાં વધુ એક મોરપીંછ ઉમેરાશે. ગોલ્ડન બ્રીજ પરથી વાહનોની આવન-જાવન બંધ કરી તેને વોકિંગ બ્રીજ તરીકે જાહેર કરાય. જેથી ભરૂચ તેમજ અંકલેશ્વરની જનતા તેનો મહત્તમ ઉપયોગ મોર્નિંગ વોક માટે કરી શકે. ઉપરાંત આ બ્રીજ ઉપર બન્ને તરફ સલામતી માટે રેલીંગ પણ ઉભી કરાય જેથી અકસ્માત ન સર્જાય. આ ઉપરાંત બ્રિજની બન્ને તરફ વાહનોના પાર્કિંગ માટે પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી રજૂઆત ભરૂચ સીટીઝન કાઉન્સીલ દ્વારા કરવામાં આવી છે.ગોલ્ડનબ્રીજની સમાંતરે નવો બ્રિજ બન્યા બાદ પણ ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ ઉપરથી ટુ, થ્રી વ્હિલર સહિતનાં નાના વાહનોને પસાર થવા જ દેવામાં આવશે. જાે કે કારચાલકોને નવા બ્રિજનો ઉપયોગ કરવા સૂચન કરાય તેવી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટે થોડા વર્ષ પહેલા વિચારણા વ્યક્ત કરી હતી.