વડોદરા, તા.૧૧ 

નેશનલ હાઈવે પર ભરૂચ-સુરત વચ્ચે બનાવાયેલા ટોલનાકાની જેમ કરજણ ટોલનાકાએ પણ સ્થાનિક રહીશોને પુરાવા બતાવી ટોલ વિના અવરજવર કરવા દેવાની માગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટરને આ સંદર્ભે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની હદમાં નેશનલ હાઈવે નં.૪૮ ભરથાણા ગામ નજીક ટોલનાકું બનાવવામાં આવેલ છે. આવી જ રીતે નેશનલ હાઈવે નં.૪૮ પર ભરૂચ-સુરત વચ્ચે ટોલનાકું બનાવવામાં આવેલ છે. જ્યાં ભરૂચના ટોલનાકા પરથી પસાર થતા સ્થાનિક વિસ્તારના વાહનચાલકો પોતાનું આઈડી તે વિસ્તારના રહીશો પુરાવો બતાવે એમને વિના ટોલ વસૂલે અવરજવર કરવા દેવાય છે. આ જ રીતે સુરત ટોલનાકા પર પણ વિના ટોલ વસૂલે અવરજવર કરવા દેવાય છે. પરંતુ કરજણ ખાતે આવેલ ટોલનાકા પર સ્થાનિક લોકો પાસેથી પણ ટોલ વસૂલવામાં આવે છે જેથી હવે પછી ભરૂચ, સુરતની જેમ કરજણ ખાતેના ટોલનાકા પર સ્થાનિક રહીશો પોતાનો પુરાવો બતાવે તો વિના ટોલ વસૂલે અવરજવર કરવા દેવામાં આવે એવી સ્થાનિક વાહનચાલકો દ્વારા માગણી કરાઈ છે.