જામનગર, જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ૧૦મી તારીખે સેન્ટ્રલ જી.એસ.ટી. ની અલગ-અલગ બે ટીમો ત્રાટકી હતી, અને બ્રાસના મોટા ઉદ્યોગ ગ્રુપના જુદા-જુદા બે એકમો સહિત ત્રણ પેઢીમાં બિલિંગ કૌભાંડના સંદર્ભમાં તપાસણી હાથ ધરી હતી. સતત બે દિવસના સર્ચ ઓપરેશન પછી જીએસટીના અધિકારીઓ ત્રણેય પેઢીમાંથી ચોપડા સહિતનું થોક બંધ સાહિત્ય કબજે કરીને સાથે લઈ ગયા છે. ઉપરાંત તે પેઢીને સંલગ્ન એક ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં પણ ચકાસણી હાથ ધરી હતી. જે બાદ બ્રાસપાર્ટનો કેટલોક તૈયાર માલ સિઝ કરી દીધો હતો. મુંબઈની બ્રાસના ઉદ્યોગ સાથે સંકળાયેલી એક પેઢીમાં તાજેતરમાં સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. જેમાં બિલિંગ કૌભાંડ સામે આવ્યું હતું, અને તેના તાર જામનગરના એક બ્રાસ ઉદ્યોગકાર ગ્રુપના અલગ-અલગ બે એકમો સાથે જાેડાયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી સેન્ટ્રલ જી.એસ.ટી.ની ટીમ દ્વારા તપાસનો દોર જામનગર સુધી લંબાવ્યો હતો. ગત ૧૦ મી તારીખે રાજકોટ તરફથી અલગ-અલગ બે ટુકડીઓ જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવી પહોંચી હતી, અને એક બ્રાસના ઉદ્યોગકારના ગ્રુપના અલગ-અલગ બે એકમો ઉપર સામૂહિક રીતે દરોડા પાડવામાં આવ્યાં હતા. ત્યાર પછી બ્રાસપાર્ટ અને અન્ય એક પેઢી કે જેની સાથે જાેડાયેલી હતી, તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગરની જી.એસ.ટી.ની ટુકડીની પણ મદદ લેવામાં આવી હતી. સતત બે દિવસ સુધી ચાલેલા સર્ચ ઓપરેશન પછી ઉપરોક્ત ત્રણેય એકમોમાં બે સ્થળે તેના માલિક હાજર ન હતા, જેથી તેઓને જીએસટી સમક્ષ હાજર થવા માટેની નોટિસ ઇશ્યુ કરી દેવામાં આવી છે. જ્યારે ત્રણેય પેઢીમાંથી ચોપડાઓ સહિતનું સાહિત્ય કબજે કરી લેવાયું છે. આ ઉપરાંત સેન્ટ્રલ જીએસટીની ટીમની તપાસણી અને આર્થિક તેમજ માલસામાનની લેવડ-દેવડના વ્યવહારોની ચકાસણીમાં જામનગરની એક ટ્રાન્સપોર્ટની પેઢીમાં તૈયાર માલ સપ્લાય કરવા માટે મોકલ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી જામનગરની એક ટ્રાન્સપોર્ટની પેઢીના ગોડાઉનમાં જીએસટીની ટુકડી પહોંચી ગઈ હતી, અને ત્યાં પણ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ટ્રાન્સપોર્ટના માલિક હાજર ન હતા, પરંતુ એક ટ્રકમાં બ્રાસના પાર્સલો મૂકવામાં આવ્યાં હતા. જે ઉપરોક્ત પેઢીના સંદર્ભમાં આવેલા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી તે તમામ પાર્સલને હાલ સિઝ કરીને રાખી દેવામાં આવ્યાં છે, અને તેના બિલ વગેરે સાથે ટ્રાન્સપોર્ટરને હાજર થવા ફરમાન કરાયું છે. સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કર્યા પછી કેટલી ટેક્સ ચોરી કરવામાં આવી છે, અથવા તો બિલિંગ કૌભાંડ આચરવામાં આવ્યું છે કે નહિં તેની વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે.