દિલ્હી-

આવકવેરા વિભાગે ટેક્ષ ચોરી મામલે ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુ સહિતના કલાકારોના ઘરે દરોડા પાડ્યા તેને લઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્‌વીટર પર કેટલાક રૂઢિપ્રયોગો શેર કરીને કેન્દ્ર સરકાર આવકવેરા વિભાગ, ઈડી અને સીબીઆઈને આંગળીઓ પર નચાવે છે તેમ કહ્યું હતું. ઉપરાંત કોંગ્રેસી નેતા અભિષેક મનુ સિંઘવી અને ઉદિત રાજે પણ આવકવેરા વિભાગની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા. અગાઉ અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ મામલે તાપસીને પ્રોત્સાહન આપતી ટ્‌વીટ કરી હતી.

રાહુલ ગાંધીએ ટ્‌વીટમાં લખ્યું હતું કે, 'કેટલાક રૂઢિપ્રયોગોઃ આંગળીઓ પર નચાવવું- કેન્દ્ર સરકાર ભીગી બિલ્લી બનવું- કેન્દ્ર સરકાર સામે મિત્ર મીડિયા. ખિસિયાની બિલ્લી ખંભા નોચે (ખસીયાણી પડેલી બિલ્લી થાંભલા સાથે નખ ભરાવે)- જેમ કેન્દ્ર સરકાર ખેડૂત સમર્થકોના ત્યાં દરોડા પડાવે છે.' અભિષેક મનુ સિંઘવીએ ટ્‌વીટરની મદદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન તાક્યું હતું. સિંઘવીએ ટ્‌વીટમાં લખ્યું હતું કે, 'સરકાર વિરૂદ્ધ બોલનારા બોલિવુડના કેટલાક કલાકારોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા. અન્ય લોકોના ત્યાં દરોડા નથી પડતા, કારણ કે તેમણે થોડા દિવસો ગુજરાતમાં વિતાવેલા છે.