આણંદ : આણંદના બોરસદમાં પતંગની દોરીથી સાત વર્ષનાં બાળકનું ગળું કપાવાથી મોતની ઘટનાએ નગરમાં અરેરાટી ઊભી કરી દીધી હતી. પતંગની દોરીએ માસૂમનો ભોગ લીધો હોવાની વાત વાયુવેગે ફેલાતાં કમકમાટી વ્યાપી ગઈ હતી. બોરસદનાં સૂર્ય મંદિર રોડ ઉપર પિતા સાથે બાઈક ઉપર બેસી જઈ રહેલાં મિર્ઝા સહદ નામના બાળકના ગળામાં પતંગની દોરી ભરાઈ જતાં માસૂમનું ગળંુ કપાઈ ગયું હતું. જાહેર માર્ગ પર જ આ ઘટના બનતાં નાગરિકો સ્તબ્ધ થઈ ગયા હતા. લોકોમાં એવું ચર્ચાતું હતું કે, આવો તહેવાર ઉજવવાના બદલે ઉજવણી ન કરવી સારી.  

સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતાં આક્ષેપ કર્યો હતોે કે, ૧૦૮ એમ્બ્યૂલન્સ મોડી આવતાં સમયસર સારવાર મળી નહોતી. બાળકના આક્રંદથી વાતાવરણમાં કરુણા ફેલાઈ ગઈ હતી. પિતા સાથે બાઈક પર બેસી જઈ રહેલાં બાળકનાં ગળામાં પતંગની દોરી ભરાતાં મોતની ઘટના નજરે નજર જાેનારા નાગરિકોનું હૃદય પણ કંપી ગયું હતું. સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ આકસ્મિક જરૂરિયાત સમયે ઈમરજન્સી ૧૦૮ની એમ્બ્યૂલન્સ વાનને કોલ કરવામાં આવ્યો હતો. ઘટનાને ૪૫ મિનિટ વીતી ગયા બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ વાન આવી હતી. દરમિયાન ઘટના સ્થળે અને બાદ સમયસર સારવાર ન મળતાં બાળકનું વેદનામાં તરફડીને મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ બોરસદમાં આક્રોશ ફેલાયો છે. મૃતક બાળકના પરિવારજનો અને સ્નેહીઓના હૈયાફાટ રૂદનથી નગરનો માહોલ ગમગીન અને શોકમય બન્યો છે. મૃતક બાળક બોરસદના ફતેહપુર વિસ્તારમાં રહેતો હતો. બાળકનું નામ મિર્ઝા સહદ હતું અને તે માત્ર ૭ વર્ષનો હતો.