વડોદરા, તા. ૨૭

ગત એપ્રિલ માસમાં ભેદી સંજાેગોમાં ગુમ થયેલી વાઘોડિયા ચોકડી પર રહેતી વૃધ્ધાની લાશ કરજણના ધનોરા ગામની સીમમાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી હતી જેમાં લાશની ઓળખ છતી નહી થતાં કરજણ પોલીસે અજાણી વૃધ્ધાનું દીપડાએ હુમલો કરતા મોત થયાની ફરિયાદ નોંધી હતી. બીજીતરફ વૃધ્ધાના ગુમ થવા અંગે તેના જમાઈએ પાણીગેટ પોલીસ મથકમાં જાણ કરી હતી જેની પાણીગેટ પોલીસે તપાસ કરતાં ખુદ જમાઈએ જ તેની વૃદ્ધ સાસુની હત્યા કરી લાશને ધનોરા ગામની સીમમાં ફેંકી દીધો હોવાનું સપાટી પર આવતા પોલીસે હત્યારા જમાઈની ધરપકડ કરી હતી.

વાઘોડિયારોડ પર શ્રીજીદ્વારા ફ્લેટમાં રહેતા ૬૩ વર્ષીય વિધવા ઈન્દુબેન રમણભાઈ ચૈાહાણની બે પુત્રીઓના લગ્ન થઈ જતા તે અત્રે એકલવાયું જીવન ગાળતા હતા. તેમની એક પુત્રીનું મુળ અડાસના વતની વિરલ ઉર્ફ લાલા અરવિંદ છાપરિયા સાથે લગ્ન થયું હતું પરંતું વિરલ વારંવાર નોકરી બદલતો હોઈ તેની પત્ની અડાસમાં સાસરીમાં રહેતી હતી. થોડાક સમય અગાઉ વિરલને પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત રામેશ્વરારોડ પર હેરીટાઈઝ એન્ટરપ્રાઈઝ કંપનીમાં સિક્યુરીટી તરીકે નોકરી મળી હતી. ગત ૧૪મી એપ્રિલે તે અત્રે સાસુ ઈન્દુબેનના ઘરે આવ્યો હતો જયાં ઈન્દુબેને તેને નારેશ્વર ખાતે બાધા પુરી કરવા માટે લઈ જવાનું કહેતા તેઓ રાત્રે સાડા ત્રણ વાગે મોપેડ પર નારેશ્વર જવા માટે નીકળ્યા હતા. જાેકે રસ્તામાં ધનોરા ગામની સીમમાં ગણપતપુરારોડ પર તરસ લાગતા ઈન્દુબેને મોપેડ ઉભી રખાવી હતી અને જમાઈ વિરલને વ્યવસ્થિત નોકરી કરી તેની પત્નીને પણ સાથે ઘરે રાખવાનું કહ્યું હતું. આ મુદ્દે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા વિરલે વૃધ્ધ સાસુ ઈન્દુબેનના માથામાં સળીયાના ફટકા મારી હત્યા કરી અને લાશને રોડ સાઈડમાં નાખી ફરાર થયો હતો. વહેલી સવારે ઈન્દુબેનની લાશ મળતા કરજણ પોલીસે અજાણ્યા વાહન ચાલકે અથવા તો આ વિસ્તારમાં ફરતા દિપડાએ હુમલો કરી તેમને મારી નાખ્યા હોવાની શંકા સાથે ગુનો નોંધ્યો હતો અને લાશની ઓળખ છતી નહી થતાં તેનો નિકાલ કર્યો હતો. બીજીતરફ હત્યા બાદ વિરલે ઠેક ૭મી મેના રોજ પાણીગેટ પોલીસ મથકમાં તેની સાસુ ભેદી સંજાેગોમાં ગુમ થયાની જાણ કરી હતી. આ જાણકારીના પગલે પાણીગેટ પોલીસે તપાસ કરી હતી જેમાં હેકો શૈલેન્દ્રસિંહને માહિતી મળી હતી કે વિરલે જ તેની સાસુની હત્યા કરી છે. પાણીગેટ પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ એ.બી.મોરી સહિતની ટીમે ગઈ કાલે વિરલ છાપરિયાને કંપનીમાંથી ઝડપી પાડી અત્રે લાવી ઘનિષ્ટ પુછપરછ કરી હતી જેમાં તેણે સાસુની હત્યાની કબૂલાત કરી હતી. ઈન્દુબેનની અકસ્માતે મોતનો ગુનો કરજણ પોલીસ મથકમાં નોંધાયેલો હોઈ પાણગીટે પોલીસે વિરલને કરજણ પોલીસના સોંપવાની તજવીજ શરૂ કરી છે.