સુરત-

ત્રણ દિવસ પહેલા પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પીવીએસ શર્માએ નોટબંધીમાં કલામંદિર જ્વેલર્સ અને આઇટીના અધિકારીઓએ મળીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું હોવાના આરોપ સાથે પીએમ મોદી પાસે સીબીઆઇ તપાસની માંગ કરી હતી, આ મામલે હવે આઇટી વિભાગે શર્માના નિવાસસ્થાને જ દરોડા કરી દીધા છે, તેમને દબાવી દેવાના ઉદ્દેશથી કામગીરી કરાઇ હોવાના આરોપ છે, તેઓ ગઇકાલે ઘરની બહાર ધરણાં પર બેસી ગયા હતા. પરંતુ શર્મા પાસેથી અંદાજે 40 કરોડ રૂપિયાની સંપત્તિ મળી આવતા આઇટી વિભાગ પણ ચોંકી ગયો છે. જે અધિકારીએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે તે જ અધિકારી પાસે આટલી મોટી સંપત્તિ કંઇ રીતે બની ગઇ તે સૌથી મોટો સવાલ છે.

તપાસમાં સામે આવ્યું છે કે મુંબઇની કુસુમ સિલિકોન કંપનીમાંથી મહિને તેમને દોઢ લાખ રૂપિયા પગાર મળે છે. તેમને પાસે 10 મોટી પ્રોપર્ટી હોવાનું પણ સામે આવ્યું છે. તેમના ઘરેથી મળેલા દસ્તાવેજો પરથી માહિતી મળી છે કે તેઓ અને તેમના પત્ની પ્રજાપતિ એન્ડ કન્સ્ટ્રકશન કંપનીમાં ડિરેક્ટર છે. આ કંપનીનું કરોડો રૂપિયાનું ટર્નઓવર છે. કંપનીમાં ભરત શાહ અને ધવલ શાહ પણ શેરહોલ્ડર છે. કંપનીની ઉંડી તપાસ થઇ રહી છે. ઉપરાંત કુસુમ ડાઇકેમ નામની એક કંપની મળી છે તેની પણ તપાસ ચાલી રહી છે કે શર્માનો આ કંપનીમાં શું રોલ હતો. ઉપરાંત સંકેત મીડિયા કંપનીમાં પણ તપાસ ચાલી રહી છે.