જમ્મુ કાશ્મીર-

જમ્મુ અને કાશ્મીરનાં બાંદીપોરામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જણાવી દઈએ કે, બાંદીપોરાનાં ચંદાજી વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. હાલ સુધી આતંકવાદીની ઓળખ થઈ શકી નથી. સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા દળોએ ચંદાજી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. કાશ્મીર ઝોન પોલીસે એક ટ્વીટમાં એન્કાઉન્ટરને લગતી માહિતી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે, આ પહેલા શનિવારે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં વડા મસૂદ અઝહરનાં ભત્રીજા અને 2019 નાં પુલવામા હુમલાનાં આયોજનમાં સામેલ બે પાકિસ્તાની આતંકવાદીઓને સુરક્ષા દળોએ પુલવામામાં એન્કાઉન્ટરમાં માર્યા હતા. દરમ્યાન, પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) કાશ્મીર વિજય કુમારે મંગળવારે ટોચનાં 10 આતંકવાદીઓની યાદી જાહેર કરી જે જમ્મુ -કાશ્મીર પોલીસનાં નિશાના હેઠળ છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા અડધા કલાકથી બંને તરફથી ફાયરિંગ ચાલી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે આ આતંકીઓ એક ઘરમાં છુપાયેલા છે. ફાયરિંગ વચ્ચે સુરક્ષા દળોની એક ટીમ નજીકમાં રહેતા લોકોને બહાર કાઢી રહી છે. સાવચેતીનાં ભાગરૂપે આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે.