જામનગર: દુષ્કર્મનો ભોગ બનનાર 13 વર્ષની બાળાએ બાળકને જન્મ આપ્યો
11, નવેમ્બર 2020

જામનગર-

જામનગરની જી.જી. હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં આજે અજીબો ગજબ કિસ્સો નોંધાયો છે. માત્ર ૧૩ વર્ષની તરુણીએ એક બાળકને જન્મ આપતાં હોસ્પિટલના તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામની તરુણીએ બાળકને જન્મ આપ્યા પછી તેના પિતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામની વાડી વિસ્તારમાં રહેતી અને ખેત મજૂરી કામ સાથે જોડાયેલી માત્ર ૧૩ વર્ષની એક તરુણી એ આજે વહેલી સવારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગાયનેક વોર્ડમાં એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. જે પ્રસૂતા તરુણી અને તેનું બાળક બંને તંદુરસ્ત અવસ્થામાં છે. જેના જન્મને લઇને જામનગર જી.જી હોસ્પિટલનું તંત્ર અચંબામાં પડી ગયું હતું. સમગ્ર મામલે પોલીસને જાણ કરાયા પછી પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું, અને ભોગ બનનાર પ્રસૂતાની પુછપરછ કરાઈ છે.તેના આધારે આજથી સાત મહિના પહેલા સગીરા પર દુષ્કર્મ ગુજારનાર શખ્સ સામે રાજકોટ ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. 

જામનગરની જી.જી હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં આજે સવારે પાંચ વાગ્યાના અરસામાં૧૩ વર્ષની એક તરુણી સગર્ભાવસ્થામાં દાખલ થઇ હતી, અને એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે. જે સગીરાના કેસ પેપરમાં તેણીની ઉંમર ૧૯ વર્ષની દર્શાવાઈ હતી. પરંતુ ગાયનેક વિભાગની ટીમને સગીરાની ઉંમર બાબતે શંકા જતા તુરંત જ જી.જી.હોસ્પિટલની પોલીસ ચોકીના એ.એસ.આઈ. મગનભાઈ ચનીયારાને જાણ કરી હતી. જેથી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી, ભોગ બનનાર પ્રસૂતા તરુણી અને તેણીના બેન-બનેવી વગેરેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. પોલીસ દ્વારા સૌપ્રથમ સગીરાનું આધારકાર્ડ માંગવામાં આવ્યું હતું. જેમાં તેણી ની જન્મ તારીખ ૧.૧.૨૦૦૭ દર્શાવેલ હતી. જેથી સગીરા માત્ર ૧૩ વર્ષની ઉંમરની હોવાનું જાણવા મળતાં પોલીસે સમગ્ર પ્રકરણની વધુ તપાસ શરૂ કરી હતી. જેમાં આખરે ભોગ બનનાર સગીરા અને તેના બહેન-બનેવી એ ખુલાસો કર્યો હતો અને આજથી સાત મહિના પહેલા ધ્રોલ તાલુકાના આણંદપર ગામની સીમમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા હતા, જે દરમિયાન પાડોશીની વાડીમાં જ કામ કરતો અનેશ કાળુભાઇ ભુરીયા નામનો શખ્સ કે જેણે સગીરાને આજથી સાતેક મહિના પહેલા ત્રણેક વખત પોતાની હવસનો શિકાર બનાવી દીધી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution