જામનગર-

જામનગર મહાનગર પાલીકા માટે ઉમેદવારો જાહેર થયા બાદથી વિરોધ વંટોળ વધતો જ જાય છે પુર્વ ડેપ્યુટીમેયર કરશન કરમુરે રાજીનામુ આપ્યુ વોર્ડનંબર ૧૦ માંથી ભોઇ સમાજ ઉમેદવાર બદલવા ભાજપ કાર્યાલય ધસી ગયા તેમજ આજે પણ આક્રોશ પુર્વકની જાહેર અને છાની રજુઆતો ચાલુ જ છે.

ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ વિરોધનો વંટોળ વેગીલો બન્યો છે. વોર્ડ નં.9માં ઉમેદવારની પસંદગી સામે વિરોધ ઉઠ્યો છે. પૂર્વ મેયર રાજુભાઇ શેઠ તથા તેમના સમર્થકો આજે સવારે ઉમેદવાર પસંદગી સામે નારાજગી દર્શાવવા ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતાં. ઉમેદવારોની યાદીમાં ફેરફાર કરવાની માગણી કરવામાં આવી છે. બીજી તરફ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર મનસુખ ખાણધરની અવગણના કરવામાં આવતા તેમના પુત્ર પુનિત ખાણધર આજે કોંગ્રેસમાં જોડાઇ ગયા હતાં. જ્યારે બ્રહ્મસમાજના અગ્રણી હંસાબેન ત્રિવેદી પણ કોંગ્રેસમાં જોડાઇ ગયા હતાં. આમ શહેર ભાજપમાં ટિકીટ કાપણીને લઇને અનેક વોર્ડમાં આગેવાનો અને કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

જો કે, ઉમેદવારી પત્ર ભરવા માટે આજે અને કાલે બે દિવસ બાકી હોય કંઇ પણ નવા જુની થવાના એંધાણ સાંપડી રહ્યા છે. પક્ષ દ્વારા આ અસંતોષની આગ ઠારવામાં નહીં આવે તો અપક્ષ ઉમેદવારી નોંધાવવાના ચક્રો પણ ગતિમાન થયા છે. જામનગર જેવી સ્થિતિ લગભગ તમામ શહેરોમાં પ્રવર્તી રહી હોય, ભાજપનું મોવડી મંડળ પણ સક્રિય થયું છે અને ડેમેજ કંટ્રોલની દિશામાં કવાયત હાથ ધરી દેવામાં આવી છે.