વડોદરા : કરજણ તાલુકાના ભરથાણા ગામમાં પોલીસની રહેમનજર હેઠળ ધમધમતી દેશી દારૂની ભટ્ટીઓ પર આજે ઉશ્કેરાયેલા જાગૃત નાગરીકોએ પોલીસની મદદની રાહ જાેયા વિના જનતા રેડ પાડતા જ ફફડી ઉઠેલા બુટલેગરોમાં નાસભાગ મચી હતી. જનતા રેડ દરમિયાન ગ્રામજનોએ દેશી દારૂની અલગ અલગ ભટ્ટીઓને જમીનદોસ્ત કરી હજારો લીટર દેશી દારૂનો જથ્થો અને દારૂ બનાવવા માટેની સામગ્રીનો નાશ કર્યો હતો. આ બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ દોડતી થઈ હતી.

જિલ્લા પોલીસની ઢીલી કામગીરીના કારણે મોટાભાગના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ભટ્ટીઓ ધમધમી રહી છે. દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણના કારણે અનેક પરિવારો પાયમાલ થતા હોઈ હવે આ દુષણનો નાશ કરવા માટે ખુદ નાગરીકોને જાગૃત થવાની ફરજ પડતી હોય તેવો કિસ્સો આજે સપાટી પર આવ્યો છે. કરજણ તાલુકામાં આવેલા ભરથાણા ગામમાં લાંબા સમયથી દેશી દારૂની ભટ્ટીઓ ધમધમતી હોય અને ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોઈ ભરથાણા સહિત આસપાસના ગામના જાગૃત નાગરિકોએ કરજણ પોલીસ મથકમાં તેમજ જિલ્લા કલેકટર, વડોદરા જિલ્લાના પોલીસ વડાને તેમજ મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું હતું કે ભરથાણા ગામમાં કેટલાક ઈસમો દેશી દારૂનું ઘણા વર્ષોથી વેચાણ કરી રહ્યા છે. દેશી દારૂની લતના કારણે ભરથાણા ગામના અનેક પરિવારો પાયમાલ થયા છે અને જે યુવાનો દેશી દારૂની લતે ચડ્યા છે તેઓ પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવી શકતા નથી અને તેઓના નાના બાળકોનું શિક્ષણ બગડી રહ્યુ છે જયારે દેશી દારૂના કારણે ગામની અનેક મહિલાઓ વિધવા બની છે.

ગામનો મજુરિયાત વર્ગ દિવસભર મજુરી કરીને જે કમાણી કરે છે તે કમાણી દેશી દારૂની લતમાં વેડફી નાખે છે જેના કારણે તેઓના પરિવારજનોને ભુખે મરવાનો વારો આવ્યો છે. દેશી દારૂ પીધા બાદ ગામમાં રોજ સાંજે પરિવારોમાં ઝઘડા અને ગૃહક્લેશ થાય છે. ભરથાણા ગામના રહીશોએ તેઓના ગામની બે મહિલા સહિત સાત મોટા બુટલેગરો અને ભટ્ટાના માલિકોના નામજાેગ ફરિયાદ કરી હતી અને દારૂના અડ્ડા અને ભટ્ટીઓ તાત્કાલિક બંધ કરાવવા માટે રજુઆત કરી હતી. જાેકે આ રજુઆત બાદ ભરથાણા ગામના જાગૃત નાગરીકોએ પોલીસની ભરોસે રહેવાના બદલે ગામમાંથી દેશી દારૂનુ દૂષણ દુર કરવા માટે જાતે જ બિડુ ઝડપ્યુ હતું. ગ્રામજનોના ટોળાએ જનતા રેડ પાડી ગામમાં ધમધમતી દેશી દારૂની ભટ્ટીઓની તોડફોડ કરી હતી તેમજ ભટ્ટીઓમાં તૈયાર કરેલો અને હેરફેર માટે કારબાઓમાં ભરેલો દેશી દારૂનો જથ્થો અને દારૂ બનાવવા માટેનો સડેલો ગોળ અને કેમિકલ સહિતની ચીજવસ્તુઓની નાશ કર્યો હતો. ગ્રામજનોનો રોષ પારખી ગયેલા દારૂની ભટ્ટીના માલિકો અને બુટલેગરોએ પણ વિરોધ કરવાના બદલે ત્યાંથી પલાયન થવાનું મુનાસીબ માન્યુ હતું.

અમે દરમહિને હપ્તો આપીયે છીએ, પોલીસ અમારુ કશુ બગાડી નહી શકે

ભરથાણા ગામના રહીશોએ પોલીસ સહિત ઉચ્ચસ્તરે કરેલી ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે ગામના જાગૃત રહીશોએ દેશી દારૂનું વેચાણ બંધ કરાવવા માટે સરપંચને વારંવાર જાણ કરી હતી અને સરપંચે પણે ભટ્ટીના માલિકો અને બુટલેગરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતું બુટલેગરોએ એવુ જણાવ્યું હતું કે અમે તમામ ઈસમો દરમહિને પોલીસને ભરણ (હપ્તા) આપીયે છીએ જેથી અમો દારૂનુ વેચાણ કરીયે છે અને પોલીસ જ અમને દારૂનું વેચાણ કરવા માટે પ્રોત્સાહન આપે છે જેથી પોલીસ પણ અમારુ કશુ બગાડી લેશે નહી.