ભચાઉ-

અહીંની સબ જેલના તત્કાલિન જેલર અને જેલગાર્ડની ધરપકડ કરવામાં આવી છે. જયંતિ ભાનુશાલી હત્યા કેસના આરોપી જયંતિ ઠક્કરને જેલમાં દારૂનો જથ્થો પુરો પાડવામાં જેલર અને જેલગાર્ડે મદદગારી કરી હોવાનું સીટની તપાસમાં ખુલતા બન્નેની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ જયંતિ ભાનુશાલી હત્યાના કેસમાં જયંતિ જેઠાલાલ ઠક્કર ભચાઉની સબ જેલમાં કસ્ટીડી હેઠળ છે. ત્યારે ગત 22મી મેના આરોપીને જેલની અંદર દારૂની મહેફિલ માણતા ડીવાયએસપી અને મામલતાદર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ ગુનામાં ત્રણ જુદી જુદી ફરિયાદ ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેને આધારે સીઆઈડી ક્રાઈમ અને રેલવે પોલીસ દ્વારા ખાસ તપાસદળની રચના કરવામાં આવી હતી. અને પશ્ચિમ કચ્છ રેલવે પોલીસના વિભાગીય પોલીસ અધિકારી પી.પી પીરોજીયાને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં ભચાઉ સબ જેલના તત્કાલિન જેલર રામજીભાઈ કરસનભાઈ રબારી અને જેલગાર્ડ ડાયાભાઈ સોંડાભાઈ કોળી દ્વારા પ્રોહિબીશનના ગુનામાં મદદગારીની કલમો તળે ગુનો નોંધાયો હતો. જેને આધારે બન્નેની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.