ગાંધીનગર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની વરણી બાદ ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી. જેમાં ઉપાધ્યક્ષપદે ભાજપના જેઠા ભરવાડની બહુમતીથી વરણી કરાઈ હતી. જ્યારે કોંગ્રેસ દ્વારા ઉપાધ્યક્ષ તરીકે ડૉ. અનિલ જાેશીયારાના નામની દરખાસ્ત કરાઈ હતી. જાે કે તે દરખાસ્ત ભાજપની બહુમતીની સામે ઊડી ગઈ હતી.ગુજરાત વિધાનસભામાં સોમવારના રોજ ઉપાધ્યક્ષના ખાલી પડેલા પદ માટે ચૂંટણી કરવામાં આવી હતી. આ માટે ભાજપ દ્વારા શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડના નામનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. જ્યારે કોંગ્રેસ તરફથી ડૉ. અનિલ જાેશીયારાના નામનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. આ અંગે આજે વિધાનસભા ગૃહમાં ઉપાધ્યક્ષ પદમાં માટે ભાજપ તરફથી રજૂ કરાયેલા જેઠા ભરવાડના નામની દરખાસ્ત સામે કોંગ્રેસ તરફથી ડૉ. અનિલ જાેશીયારાના નામની દરખાસ્ત કરવામાં આવી હતી. જેને વિધાનસભાના નવનિયુક્ત અધ્યક્ષ ડૉ. નિમા આચાર્ય દ્વારા આ બંને દરખાસ્તોને મતદાન માટે મૂકવામાં આવી હતી. જેમાં ભાજપના જેઠા ભરવાડની દરખાસ્ત બહુમતીથી પસાર થઈ હતી. આ દરમિયાનમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રજૂઆત કરી હતી કે, ઉપાધ્યક્ષની ચૂંટણી માટે હાથ ઊંચા કરીને મતગણતરી કરવામાં આવે. જાે કે અધ્યક્ષ ડૉ. નિમા આચાર્યએ જણાવ્યું હતું કે, મે જાહેરાત કરી દીધા બાદ તમે કહો છો. તે દરખાસ્ત રજૂ કરતી વખતે કરવાની જરૂર હતી. હવે આ કોઈ બાબત ધ્યાનમાં લેવામાં નહીં.