અમદાવાદ,તા.૧૬  

જીપીસીબી (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ના કલાસ- ૧ના પ્રાદેશિક અધિકારી ભાયાભાઈ ગીગાભાઈ સુત્રેજાના ગાંધીનગર ખાતેની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આવેલા બે બેંક લોકરોની તપાસમાં એસીબીની ટીમે કરી હતી. જેમાંથી ૧.૨૮ કરોડની મતાના સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી આવ્યા છે. એસીબીએ સુત્રેજા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ગુનો નોંધ્યો છે.એસીબીએ સુત્રેજાના બેંક ઓફ ઈન્ડિયા ખાતેના બે લોકરની તપાસ કરતા એકમાંથી ૪૮,૭૬,૫૯૬ રૂપિયાના સોનાના દાગીના તથા ૬૯,૫૦૦ રોકડ રકમ મળી આવેલ છે. જ્યારે બીજા લોકરમાંથી ૨૩,૪૯,૭૭૮ રૂપિયાના સોના ચાંદીના દાગીના અને ૫૫ લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આમ બંને લોકરમાં થઈ કુલ ૧,૨૭,૯૫,૮૭૪ રૂપિયાની રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. એસીબીની ટીમે આ સિવાય સૂત્રેજાની અન્ય ગેરકાયદે મિલકતો અંગે વધુ તપાસ હાથ ધરી છે.ગત તા.૧૦મી જુલાઈના રોજ એ.સી.બી.એ બાતમીના આધારે સુત્રેજા પાસેથી બેગમાં મુકેલી ૪,૯૧,૮૧૩ રૂપિયાની ચલણી નોટો પકડી હતી. તેમની તપાસ કરાતા ૧૭,૮૦૦ની રકમ મળી કુલ ૫,૦૯,૬૧૩ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. જ્યારે તેમના રહેણાંક મકાન ગાંધીનગર ઘરની તપાસ કરવામાં આવી તો ત્યાંથી ૫ લાખ રૂપિયા રોકડા તથા ૨૦ ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા હતા. જોકે આ રકમ અંગે આરોપી યોગ્ય જવાબ ના આપી શકતા તેઓ વિરુદ્‌ધ ગુનો નોંધાયો હતો.