ગોહાટી-

આસામના એક પત્રકારને વીજળીના થાંભલે બાંધીને તેની સાથે મારઝૂડ કરવાની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ સમગ્ર મીડિયામાં હોબાળો મચી ગયો છે. આ ઘટનાના થોડાક ફુટેજ સામે આવ્યા હતા, જેમાં જાેઈ શકાય છે કે આ પત્રકારને એક વીજળીના થાંભલાથી બાંધીને મારવામાં આવી રહ્યો છે. ફુટેજમાં આસામના દૈનિક અખબાર પ્રતિદિનના પત્રકાર મિલન મહંતા છે, જે કરૂપ જિલ્લાના રહેવાસી છે. તસવીરોમાં જાેઈ શકાય છે કે તેમના હાથ થાંભલા સાથે બાંધેલા છે અને પાંચ વ્યક્તિ તેમની પર હુમલો કરી રહ્યા છે.

મળતી જાણકારી મુજબ આ ઘટના રવિવારે મિર્ઝામાં બની હતી, જે ગુવાહાટીથી 40 કિલોમીટર પશ્ચિમમાં છે. મિલન મહંતાને ગરદન, માથા અને કાન પર ઈજાઓ થઈ છે. તેઓએ પલાશ બારી પોલીસ સ્ટેશનમાં એક એફઆઇઆર નોંધાવી છે. તેઓએ પોતાની એઇઆઇઆરમાં જણાવ્યું છે કે તેમના પર હુમલો કરનારા જુગારીઓ હતા. મિલન મહંતાએ હાલમાં જ આસામમાં દિવાળી પહેલા ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા જુગારના ચલણ પર ન્યૂઝ રિપોર્ટની સીરીઝ ચલાવી હતી. મહંતાના સહયોગીઓએ તેમના પર થયેલા હુમલાની વિરુદ્ધ પ્રદર્શન કર્યું. પોલીસે આ હુમલાના કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો મુજબ બાકીના હુમલાખોરોને શોધ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સામે આવેલા વીડિયોમાં જે ઘટનાક્રમ છે તે હિસાબથી મિલન મહંતા રસ્તા કિનારે એક દુકાનની સામે રોકાય છે, ત્યારે જ તેમને કેટલાક લોકો ઘેરી લે છે અને પછી નજીકના વીજળીના થાંભલામ સાથે બાંધીને મારવા લાગે છે. વીડિયોમાં હુમલાખોર એવો દાવો કરતાં સંભળાય છે કે, મહંતાએ તેમની પાસેથી પૈસા માંગ્યા હતા. આ આરોપીઓએ તેમના સાથી કર્મચારીએ આ આરોપોને ફગાવી દીધા છે.