/
જૂનાગઢનો આજે આઝાદી દિવસ

વિશેષ અહેવાલ સંત,શૂરા અને સાવજની ધરતી તેમજ જ્યાં જૂનો ગઢ ગિરનાર આવેલો છે તેવું ઐતિહાસિક, સાંસ્કૃતિક ધરોહર ધરાવતું શહેર એટલે કે જુનાગઢ. આ જૂનાગઢનો આજ  એટલે કે ૯ નવેમ્બરના આઝાદી દિવસ છે. જૂનાગઢનો નવાબ પાકિસ્તાન સાથે જાેડવા માંગતો હોવાથી પ્રજામત દ્વારા જૂનાગઢના ભારત આઝાદ થયાં પછીના ૮૫ દિવસે એટલે કે ૯ નવેમ્બર,૧૯૪૭ના આઝાદી મળી અને આ તારીખ જૂનાગઢવાસીઓ માટે ઐતિહાસિક તારીખ બની ગઇ. ભારત દેશ આઝાદ થયો ત્યારે ૫૬૨ દેશી રજવાડા હતા. ૧૫ ઓગષ્ટ ભારતનો આઝાદી દિવસ છે પરંતુ પાંચ મહિના અગાઉ ભારતને આઝાદ કરવાનું નક્કી થઈ ગયું હતું. ઈંગ્લેન્ડની પાર્લામેન્ટમાં હિન્દ સ્વતંત્રતાનો કાયદો ઘડાયો, તે ધારા અનુસાર હિન્દુસ્તાનના તમામ રજવાડાઓને ભારતમાં અથવા પાકિસ્તાનમાં જાેડાવા નક્કી કરવા ફરમાન કરાયું હતું. જેમાં ભારતના ત્રણ રાજ્યોએ અનોખો ઈતિહાસ રચી દીધો. કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ. જૂનાગઢમાં તે સમયે નવાબ મહોબતખાનજી ત્રીજાનું શાસન હતું, જૂનાગઢના નવાબ મહોબતખાનજી એક પ્રજા વત્સલ રાજવી હતા પરંતુ કોઈ કારણોસર તેઓએ દિવાન શાહનવાઝ ભુટ્ટો, ભોપાલ બેગમ અને ઈસ્માઈલ અબ્રેહાની ના દબાણ થી જૂનાગઢનું જાેડાણ પાકિસ્તાન સાથે કરી નાખ્યું. આ તરફ ભૌગોલિક રીતે પણ સંભવ ન હોય તેવા જૂનાગઢના પાકિસ્તાન સાથેના જાેડાણને લઈને ભારત સરકાર પણ ચિંતામાં હતી. દેશ આઝાદ થઈ ગયો પરંતુ જૂનાગઢ આઝાદ ન હતું, ૨૪ સપ્ટેમ્બર ૧૯૪૭ ના રોજ મુંબઈ ખાતે માધવબાગમાં જૂનાગઢની આઝાદી માટે આરઝી હકુમતની સ્થાપના થઇ. આરઝી હકુમતની શામળદાસ ગાંધી,અમૃતલાલ શેઠ જેવા લોકોએ આગેવાની લીધી. આરઝી હકૂમતની સેનાએ રાજકોટ આવીને તે સમયનો જૂનાગઢનો ઉતારો કે જે રાજકોટનું આજનું સર્કીટ હાઉસ છે તેનો કબ્જાે કર્યો, ત્યારબાદ ૨૪ ઓક્ટોબર ૧૯૪૭ ના રોજ અમરાપુર ગામ જીત્યું અને ત્યારે નવાબ પાકિસ્તાન જતા રહ્યા ત્યારબાદ આરઝી હકુમતે ૧૦૬ ગામ કબ્જે કર્યા. ૮ નવેમ્બર ૧૯૪૭ ના રોજ જૂનાગઢના નાયબ દિવાન કેપ્ટન હાર્વે જાેન્સ શરણાગતિ પત્ર સાથે રાજકોટ પ્રાદેશિક કચેરીએ પહોંચ્યા અને શરણાગતિ સ્વીકારી, ૯ નવેમ્બર ૧૯૪૭ ની સાંજના મજેવડી દરવાજામાંથી ભારતનું લશ્કર જૂનાગઢમાં પ્રવેશ્યું અને ઉપરકોટના કિલ્લા પર ઝંડો ફરકાવ્યો અને જૂનાગઢ આઝાદ થયું. જૂનાગઢની જનતાનો આભાર વ્યક્ત કરવા સરદાર પટેલ જૂનાગઢ આવ્યા અને ૧૩ નવેમ્બર ૧૯૪૭ ના રોજ બહાઉદ્દીન કોલેજમાં જાહેરસભા કરી હતી. દેશ આઝાદ થયો, જૂનાગઢ પણ આઝાદ થયું સાથે જૂનાગઢની જનતાને ભારતમાં રહેવું છે કે પાકિસ્તાનમાં તેના માટે મતદાન કરવામાં આવ્યું . ૨૦ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજ મતદાન કરાયું જેમાં ૧૯૧૬૮૮ મત ભારતને મળ્યા અને માત્ર ૯૧ મત પાકિસ્તાનને મળ્યા હતા.આમ,જૂનાગઢની આઝાદી માટે આઝાદ ભારતનું કદાચ આ પ્રથમ મતદાન હતું. જૂનાગઢમાં વસતા લોકો આજે પણ ગૌરવપૂર્વક રીતે આઝાદી દિવસની ઉજવણી કરે છે.

દત્ત અને દાતાર હિન્દુ-મુસ્લિમ કોમી એકતાનું પ્રતિક

જૂનાગઢમાં ગુજરાતનું સૌથી ઊંચુ શિખર ગુરૂ ગોરક્ષનાથ ગિરનાર પર્વત પર આવેલું છે. જ્યાં પહોંચવા માટે ૯૯૯૯ પગથિયાં ચડવા પડે છે. ગિરનાર પર્વત પર જ અંબાજી તેમજ જૈન સમાજના નેમિનાથ ભગવાનનું દેરાસર પણ આવેલું છે. ૨,૭૭૯ ફૂટની ઉંચાઈએ આવેલ દાતાર ટેકરી ગિરનાર પર્વતના પાંચ મુખ્ય શિખરોમાંથી એક છે. તેમાં જમીયલ શાહ દાતારનું મંદિર આવેલું છે. રક્તપિત્તથી પીડિત લોકો ઉપચારની આશામાં મંદિરની મુલાકાત લે છે. આ પાંચ દિવસોમાં મુસ્લિમ અને હિંદુ બંનેના ઓછામાં ઓછા ૩ લાખ ભક્તો દાતાર મંદિરની મુલાકાત લે છે, જે સાચી ભારતીય બિનસાંપ્રદાયિક સંસ્કૃતિ અને પરંપરાઓનું પ્રતીક છે. ઉર્સની પ્રથમ રાત્રિ દરમિયાન, મંદિરના તમામ આભૂષણો, જે આખા વર્ષ દરમિયાન ગુફાની અંદર રાખવામાં આવે છે, તેને ફક્ત એક રાત માટે ‘દર્શન’ માટે જાહેર પ્રદર્શન માટે બહાર લાવવામાં આવે છે.

દર વર્ષે યોજાતી ગિરનારની પરિક્રમા અને શિવરાત્રીના મેળાનું ખુબ જ ધાર્મિક મહત્તવ છે

દર વર્ષે કારતર સુદ અગિયારસ થી કારતક સુદ પુનમ એટલે કે દેવ દિવાળી સુધી પાંચ દિવસ ગિરનારની ૩૬ કિમીની લાંબી પરિક્રમા યાત્રા યોજાય છે. જેમાં લાખો પદયાત્રીઓ પોતાનું પુણ્યનું ભાથું બાંધવા માટે આવે છે. જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને મીની કુંભમેળાનો સરકાર દ્વારા દરજ્જાે આપવામાં આવ્યો છે. આ મેળામાં મહાશિવરાત્રીના દિવસે નાગા બાવાઓની રવાડી નીકળે છે. જેમાં ઠેર-ઠેરથી નાગાબાવાઓ ઉમટી પડે છે અને પાંચ દિવસ સુધી ધૂણી ધખાવીને બેસે છે.

ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક વારસો ધરાવતું શહેર એટલે જુનાગઢ

જૂનાગઢ શહેર અનેક ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક ધરોહરને સાચવીને બેસેલું શહેર છે. જેમાં અશોકનો શિલાલેખ, બહાદ્દીન કોલેજ, ઉપરકોટનો કિલ્લો, ૧૯ મી સદીનો નવાબોનો વારસો સાચવીને રાખેલું દરબાર હોલ મ્યુઝીયમ, મહોબ્બત મકબરો,સક્કરબાગ ઝૂ,નરસિંહ મહેતાનો ચોરો, વિલિન્ડિંગ ડેમ,બૌધ્ધ ગુફા સહીતના અનેક સ્થળો આવેલા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution