જૂનાગઢ-

શહેરમાં પોસ્ટ રિકરિંગ ખાતામાં ખૂબ મોટું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા બે દિવસથી શહેરની ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસમાં ખાતા ધરાવતા કેટલાક ખાતેદારો દ્વારા પોસ્ટ વિભાગનો ખાનગી એજન્ટ લાખો રૂપિયાનું કૌભાંડ આચરીને ફરાર થઈ જતાં ખાતેદારો ભારે ચિંતામાં મૂકાયા છે અને તમામ ખાતેદારોએ સતત બે દિવસથી પોસ્ટ માસ્તરને સમગ્ર ઘટનાની રજૂઆત કરી છે. એક ખાતેદારે કૌભાંડી ભરત પરમાર વિરુદ્ધ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.

સમગ્ર મામલો ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસે પહોંચતા પોસ્ટ માસ્તરે તમામ ખાતેદારોને ધીરજપૂર્વક સાંભળ્યા હતા અને જણાવ્યું હતું કે, જે ખાતેદારોના પૈસા પોસ્ટના ખાતામાં જમા છે તે સુરક્ષિત છે અને તેના તેઓ સાચા હકદાર છે આવા એક પણ પૈસાનું કૌભાંડ થયું નથી. એવું આશ્વાસન પોસ્ટ માસ્તરે ખાતેદારોને આપ્યું હતું, પરંતુ જે રૂપિયાનો વહીવટ ખાનગી એજન્ટ ભરત પરમાર અને ખાતેદારો વચ્ચે થયું છે આવા પૈસા જે ખાતેદારના એકાઉન્ટમાં જમા નહીં થયા હોય તેવા એક પણ રૂપિયા માટે પોસ્ટ ઓફિસ જવાબદાર નથી. જે માટે આવી પરિસ્થિતિમાં તેઓ કોઇ મદદ નહીં કરી શકે તેવું પણ ખાતેદારોને જણાવ્યું હતું. ગત્ત બે દિવસથી ખાતાને લઈને જુનાગઢ ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસમાં હોબાળો ચાલી રહ્યો છે, ત્યારે એક ખાતેદારે ભરત પરમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી છે. તેના પગલે અન્ય ખાતેદારો પણ ભરત પરમાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.