ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢની ઐતિહાસિક વિરાસત એવા પૌરાણિક ઉપરકોટના કિલ્લાની મુલાકાત લઇ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂ.૪૫.૯૧ કરોડના ખર્ચે ચાલી રહેલા ઉપરકોટના કન્ઝર્વેશન અને રિસ્ટોરેશનના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ ઉપરકોટમાં મુખ્ય પ્રવેશદ્વાર, નીલમ તોપ, રાણક મહેલ, અડી કડી વાવ, અનાજ કોઠાર, બારૂદ ખાના, સાયકલ ટ્રેક તેમજ ર.પ કિ.મી કિલ્લાના રિસ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કરી પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા પણ કરી હતી. આ અવસરે મુખ્યમંત્રીની સાથે પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોજેક્ટ પૂર્ણ થયે રાજ્ય સરકારના પ્રવાસનને પ્રોત્સાહન આપવાની વિકાસ લક્ષી નીતિના પગલે પ્રવાસીઓને મુલાકાતીઓને જે વિશેષ સુવિધા મળવાની છે તે અંગે પરામર્શ કરી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જૂનાગઢ પ્રવાસન અને તીર્થ સ્થળોનું ધામ છે. રાજ્ય સરકાર દ્વારા ગીરનાર ક્ષેત્રમાં પ્રવાસન વિકાસની કામગીરી બાદ મકબરા અને ઉપરકોટની કામગીરી હાથ ધરાઈ છે. ઉપરકોટ જેવો હતો તેવો જ તેનું પુરાતત્વીય સ્ટ્ર્કચર જળવાઈ રહે તે રીતે પુનઃસ્થાપિત કરીને લોકો સમક્ષ રજૂ કરવો છે. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ટુરીઝમ વિકાસ અને સર્કિટને જોડીને વિકાસ લક્ષી કામગીરી થાય અને પર્યટકો માટે સુવિધા વધે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તે મુજબ પ્રોજેક્ટ પૂર્ણ થઈ રહ્યા છે, એમ પણ તેમણે કહ્યું હતું. આવા પ્રવાસન સ્થળોએ લોકોની જરૂરિયાત મુજબની જરૂરી સુવિધા મળશે તેવી નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી. ઉપરકોટમાં એવા કેટલાક અવશેષો અને સ્મારકો જે અત્યાર સુધી વર્ષોથી માટી ભરાઇ જવાથી લોકોને જોવા મળ્યા ન હતા, એ હવે રાજ્ય સરકારની પહેલરૂપી કામગીરીથી લોકો અને અભ્યાસુઓને જોવા મળશે. મુખ્યમંત્રીએ તમામ સ્મારકોની માહિતી મેળવી લોકોને તમામ બાબતોની માહિતી પણ મળી રહે તે અંગેની વ્યવસ્થા માટે માર્ગદર્શન આપ્યું હતું.આ વેળાએ પ્રવાસન નિગમના એમ.ડી જેનુ દેવન, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂ ગોહેલ, કલેકટર રચિત રાજ, મ્યુનિ. કમિશનર રાજેશ તન્ના તેમજ જિલ્લા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.