વડોદરા : કોરોનાની મહામારીના પગલે છેલ્લાં ૯ મહિનાથી ઠપ થઈ ગયેલ શૈક્ષણિક કાર્યનો રાજ્ય સરકારના આદેશ પ્રમાણે આજે વડોદરાની શાળાઓમાં ધો.૧૦ અને ધો.૧૨ના વર્ગોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. લાંબા સમય બાદ શાળાઓ શરૂ થતાં નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ સહિત ધારાસભ્યો અને શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. જાે કે, તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જાેવા મળી હતી. 

ગુજરાત સરકારે આજથી ધો.૧૦ અને ધો.૧૨ના શિક્ષણકાર્યનો પ્રારંભ કરવાની છૂટછાટ આપી હતી જેને ધ્યાનમાં લઈને શાળા સંચાલકો દ્વારા છેલ્લા બે દિવસથી વર્ગખંડોની સાફ-સફાઈ, સેનિટાઈઝેર સહિતની કામગીરી કરવામાં આવી હતી. છેલ્લા ૯ મહિનાથી લાંબા સમયગાળા બાદ આજથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકારવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

બરોડા હાઈસ્કૂલ ઓએનજીસી ખાતે નર્મદા રાજ્ય મંત્રી યોગેશ પટેલે વિદ્યાર્થીઓને સેનિટાઈઝર સાથેની સુરક્ષા કિટ આપીને આવકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોરોનાની રસી આવી ગઈ હોવાથી વાલીઓ ગભરાયા વગર બાળકોને શાળામાં મોકલે અને વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો થઈ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. જ્યારે બરોડા પબ્લિક સ્કૂલ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. આ પ્રસંગે એજ્યુકેશન ઈન્સ્પેકટર શિવાંગીબેન શાસ્ત્રી અને અવનીબેન બારોટ ઉપસ્થિત રહ્યાં હતાં. ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયા અને મનીષ વકીલે પણ વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.

આજે શરૂ થયેલી શાળાઓમાં સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું, સાથે સાથે સ્કૂલમાં હાજરી આપવાનું ફરજિયાત નહીં હોવાથી શાળાઓમાં પાંખી હાજરી હતી. જાે કે, બીજી બાજુ શાળાઓએ ઑનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખ્યું હતું. ગુજરાત સરકારે ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે રપ ટકા જેટલા જ વિદ્યાર્થીઓને શાળાઓમાં મોકલવાની મંજૂરી આપી છે, જેને ધ્યાનમાં રાખીને ગઈકાલે શાળાઓમાં સેનિટાઈઝેશન અને સાફસફાઈની કામગીરી કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે શાળાઓમાં ઉપસ્થિત રહેતા વિદ્યાર્થીઓને સેનિટાઈઝેર આપી હાથની સફાઈ કરવામાં આવી હતી અને શાળાના વર્ગમાં તેઓને સોશિયલ ડિસ્ટન્સ રાખીને અભ્યાસ શરૂ કરાવવામાં આવ્યો હતો. અંદાજ મુજબ શહેરમાં ધો.૧૦ અને ૧૨માં ૧,૦૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમાંથી આજે રપ૦૦૦ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ માટેની રાજ્ય સરકારે છૂટ આપી હતી. રપ ટકા વિદ્યાર્થીઓમાંથી પણ અનેક વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ સંમતિપત્ર આપનાર વિદ્યાર્થીઓ કરતાં પણ ઓછા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.