મુંબઈ

આઠ જાન્યુઆરીના રોજ કંગના રનૌત બહેન રંગોલી ચંદેલ સાથે મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવા માટે આવી હતી. બંને વિરુદ્ધ કોર્ટના આદેશ પર 17 ઓક્ટોબરના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો. કંગનાને આ પહેલાં ત્રણ વાર સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ ભાઈના લગ્નને કારણે આવી શકી નહોતી. જો કંગના વિરુદ્ધ નક્કર પુરાવા મળે તો તેની ધરપકડ પણ થઈ શકે છે. 

એક્ટ્રેસ પર હિંદુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. કંગના વિરુદ્ધ આ જ રીતનો એક કેસ તુમકુર (કર્ણાટક)માં પણ કરવામાં આવ્યો છે. તેની પર ખેડૂતોના અપમાનના આક્ષેપો મૂકવામાં આવ્યા છે. આ પહેલાં 25 નવેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટે કંગના તથા રંગોલીની અરજી પર સુનાવણી કરતાં બંનેને આઠ જાન્યુઆરીના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. 

કંગનાએ પોલીસ સ્ટેશન જતાં પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં કંગનાએ કહ્યું હતું, 'જ્યારથી મે દેશહિતમાં વાત કરવાની શરૂ કરી છે, ત્યારથી મારી પર અત્યાચારો કરવામાં આવી રહ્યાં છે. શોષણ કરવામાં આવી રહ્યું છે. આ આખો દેશ જોઈ રહ્યો છે. ગેરકાયદેસર રીતે મારું ઘર તોડવામાં આવ્યું. ખેડૂતોના હિતમાં વાત કરી તો રોજ ખબર નહીં કેટલાં કેસ કરવામાં આવી રહ્યાં છે. ત્યાં સુધી કે હસવા પર પણ એક કેસ થયેલો છે. કોરોના દરમિયાન ડૉક્ટર્સના હિતમાં વાત કરી તો મારી બહેન રંગોલી પર કેસ થયો હતો. તે કેસમાં મારું નામ પણ લેવામાં આવ્યું. તે સમયે તો હું સોશિયલ મીડિયામાં હતી પણ નહીં. તે કેસને ચીફ જસ્ટિસે રિજેક્ટ પણ કર્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે આ કેસમાં કંઈ જ નથી.'

'મને કહેવામાં આવ્યું કે તારે પોલીસ સ્ટેશન જઈને હાજરી આપવી પડશે. કઈ વાતની હાજરી, એ વાત કોઈ કહેવા તૈયાર નથી. હું સુપ્રીમ કોર્ટને પૂછવા માગું ચું કે આ શું મેડિવલ એજ (મધ્યકાળ) છે? જ્યાં મહિલાઓને જીવતી સળગાવી દેવામાં આવે છે. હું કંઈ બોલી શકતી નથી. કંઈ કહી શકતી નથી. આ પ્રકારના અત્યાચાર દુનિયાની સામે થઈ રહ્યાં છે. જે રીતે હજારો લોહીના આંસુઓ ગુલામીમાં સહન કર્યાં હતા, જો રાષ્ટ્રવાદીની વાતોને દબાવવામાં આવી તો ફરીથી આ બધું સહન કરવું પડશે.'