વડોદરા-

147 કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ના સમય પત્રક પ્રમાણે ઉમેદવારીઓ સ્વીકારવા,ચકાસવા અને અંતિમ ઉમેદવારો ની યાદી બનાવવાની કામગીરી પૂરી થઈ ગઈ છે અને હાલમાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન કરાવવામાં માટેની જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.આ બેઠક માટે તા.3 જી નવેમ્બર ના રોજ મતદાન થવાનું છે. તેના ભાગરૂપે આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના નિરીક્ષણ હેઠળ મતદાન મથકે ઉપયોગમાં લેવા માટે મતદાન યંત્રો અને વીવીપેટ ના ચયન અને 311 મતદાન મથકે મતદાન કરાવવા માટે અધિકારીઓ અને કર્મચારીઓ ની ટુકડી ના ગઠન ની કોમ્યુટર આધારિત નિષ્પક્ષ અને પારદર્શક પ્રક્રિયા બેઠકના ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી હતી.ભારત ના ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત મહા નિરીક્ષક શ્રી જટાશંકર ચૌધરી અને ખર્ચ નિરીક્ષક શ્રી અભય કુમાર ની તેમજ રાજકીય પક્ષો અને ઉમેદવારો ના પ્રતિનિધિઓ ના નિરીક્ષણ હેઠળ આ પ્રક્રિયા કરવામાં આવી હતી.

  કરજણ બેઠક માટે 311 મતદાન મથકો રાખવામાં આવ્યાં છે તેવી જાણકારી આપતાં બેઠકના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી કે.આર.પટેલે જણાવ્યું કે આજે આ બેઠકના કયા મતદાન મથકે કયા નંબરના મતદાન યંત્રો અને વીવીપેટ મુકવામાં આવશે એની યાદી કોમ્પ્યુટર દ્વારા પારદર્શક રીતે પસંદ કરીને,આ યાદી સંબંધિતો ને આપવામાં આવી છે.

   તેની સાથે મતદાન મથકે મતદાન કરાવવા માટે પસંદ કરવામાં આવેલી માનવ સંપદા ની યાદીની મદદ થી કોમ્યુટર ક્લિક થી જ પ્રીસાઈડીંગ અધિકારી,પોલિંગ અધિકારી અને પી.અો.ની ટુકડીઓ નું ગઠન કરવામાં આવ્યું હતું.આ કાર્ય માટે 110 ટકાના નિયમ પ્રમાણે 1029 કર્મચારીઓ પસંદ કરવામાં આવ્યાં હતાં.

  હવે તૃતીય પ્રક્રિયા થી મતદાનના 72 કલાક પહેલાં પ્રત્યેક ટુકડી ને એમની ફરજનું મતદાન મથક માનવ દખલ રહિત કોમ્યુટર પ્રક્રિયા થી ફાળવવા માં આવશે એટલે કંઇ ટુકડી કયા મતદાન મથકે જશે એ નિર્ધારિત કરવામાં આવશે.