09, જુલાઈ 2020
‘લુકા છુપી’, ‘લવ આજ કલ’ જેવી ફિલ્મના એક્ટર કાર્તિક આર્યને ચાઈનીઝ મોબાઈલ બ્રાન્ડ OPPO સાથેના સંબંધો તોડી નાખ્યાં છે. કાર્તિકે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, તસવીર પોસ્ટ કરીને આ વાતનો સંકેત આપ્યો છે. ટ્રેડ નિષ્ણાતોએ આ વાતની પુષ્ટિ કરે છે અને તેમણે કહ્યું હતું કે બોલિવૂડમાં આમ કરનારો તે પહેલો સેલિબ્રિટી બની ગયો છે.
કાર્તિકે બુધવાર (આઠ જુલાઈ)ના રોજ સોશિયલ મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં કાર્તિકના હાથમાં iPhone છે. તે આ ફોનથી વાદળોની તસવીર ક્લિક કરતો હતો. મીડિયાની સાથે કાર્તિકના ચાહકોએ પણ અટકળો કરવાનું શરૂ કર્યું કે કાર્તિકે ચાઈનીઝ મોબાઈલ બ્રાન્ડની જાહેરાતમાં કામ કરવાનું બંધ કરી દીધું છે.
સેલિબ્રિટી તરીકે જ્યારે તમે કોઈ બ્રાન્ડના એમ્બેસેડર હોવ તો બિઝનેસ ડીલ પ્રમાણે સોશિયલ મીડિયામાં અન્ય કોઈ બ્રાન્ડને પ્રમોટ કરી શકો નહીં. જો કોઈ આમ કરે છે તો તે કાયદાકીય મુશ્કેલીમાં પડી શકે છે.
દિવ્ય ભાસ્કરે ટ્રેડ એક્સપર્ટ્સ સાથે આ અંગે વાત કરી હતી તો તેમણે પુષ્ટિ કરી હતી કે કાર્તિક હવે OPPOનો પ્રચાર કરશે નહીં. તેણે ભારત તથા ચીન વચ્ચેના સંબંધોને લઈ આમ કર્યું છે. કાર્તિક બોલિવૂડનો પહેલો સેલેબ્સ છે, જેણે ચાઈનીઝ બ્રાન્ડ સાથેના સંબંધો તોડ્યા છે. માનવામાં આવે છે કે કાર્તિકથી પ્રેરિત થઈને બોલિવૂડના અન્ય સેલેબ્સ દેશહિતમાં આવું પગલું ભરી શકે છે.
15 જૂનના રોજ ગલવાન ઘાટીમાં ચીન તથા ભારતના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતાં. 18 જૂનના રોજ CAIT એટલે કે કોન્ફિડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડ્સે ઓપન લેટર લખીને સેલિબ્રિટીઝને ચાઈનીઝ બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ છોડવાની અપીલ કરી હતી.