લોકસત્તા વિશેષ : પ્રદેશ ભાજપ દ્વારા આજે જાહેર કરવામાં આવેલા વિવાધ મોરચાના હોદ્દેદારોમાં પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી તરીકે વિવાદાસ્પદ અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા કૌશલ દવેની નિંમણૂક કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. કૌશલ દવેની નિંમણૂક બાદ ભાજપમાં હોદ્દાઓની વહેંચણીની પ્રથા બદલાઈ હોવાનું સૂર ઉઠવા પામ્યો છે. ૨૦૦૯માં બોગસ માર્કશીટ કૌભાંડમાં જેલયાત્રાએ જઈ આવેલા કૌશલ દવેની નિંમણૂકને લઈ પ્રમાણિક કાર્યકરોમાં નારાજગી જાેવા મળી રહી છે. જાેકે આ નિંમણૂકમાં કૌશલને પ્રદેશ નેતાગીરીની ચાંપલૂસી કામે લાગી હોવાની ચર્ચા ભાજપમાં ઉઠવા પામી છે.

પ્રદેશ ભાજપ દ્વારા આજે પ્રદેશ યુવા મોરચા, પ્રદેશ કિશાન મોરચા અને પ્રદેશ બક્ષી પંચ મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં બક્ષી પંચ મોરચામાં ઉપપ્રમુખ તરીકે પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્ર પંચાલની તો કિશાન મોરચામાં ઉપપ્રમુખ તરીકે જિલ્લાના અગ્રણી ડી.ડી. ચુડાસમાની નિંમણૂક કરવામાં આવી છે. પરંતું યુવા મોરચાના મહામંત્રી તરીકે બોગસ માર્કશીટ કૌભાંડમાં જેલમાં જઈ આવેલા કૌશલ દવેની નિંમણૂકે સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે.લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર એબીવીપી સમયથી સક્રીય કૌશલ દવે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ સાથે સંકળાયેલો હતો. જેઓની અમદાવાદ, વડોદરા અને મુંબઈ ઓફિસ ખાતેથી બોગસ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું હતું. આ કૌભાંડમાં કૌશલ દવે પણ સામેલ હોય તેની સયાજીગંજ પોલીસ દ્વારા ૨૦૦૯માં ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

આ બોગસ માર્કશીટ કૌભાંડથી ચર્ચાસ્પદ બનેલ કૌશલ દવે ત્યાર બાદ ભાજપમાં હોદ્દા મેળવવા માટે અનેક વખત પ્રયાસ કરતો હતો. પરંતું તેમા ફાવટ આવતી નહતી. પરંતું પ્રદેશ નેતાગીરીઓને લાંબાસમયથી કરવામાં આવતી ચાપલુસી અને પગચંપીનું આખરે પરિણામ મળ્યું હોય તેમ તેની આજે પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી તરીકે નિંમણૂક કરવામાં આવી હતી. કૌશલ દવેની નિંમણૂક થતાં જનસંઘના વિચારો સાથે સંકળાયેલા પ્રમાણિક કાર્યકરોમાં નારાજગી જાેવા મળતી હતી.

ભાજપમાં હવે કૌભાંડીઓ અને વિવાદીઓના દિવસો

બોગસ માર્કશીટ કૌભાંડમાં જેલમાં જઈ આવેલા કૌશલ દવેની નિંમણૂક બાદ ભાજપમાં હવે કૌભાંડીઓ અને વિવાદીઓના દિવસો હોવાની વાત વહેતી થઈ છે. ઉલ્લેખનીય છેકે હાલ શહેર ભાજપ પ્રમુખ પદ શોભાવી રહેલા ડો. વિજય શાહે અગાઉ પક્ષાના જ શહેર પ્રમુખ વિરૃધ્ધ તેમજ અકોટાના પૂર્વ ધારાસભ્ય વિરૃધ્ધ હોર્ડીંગ યુધ્ધ શરૃ કરી સૌને ચોંકાવ્યા હતા. એટલું જ નહીં ૨૦૧૫ની કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપમાંથી બળવો કરી ચૂંટણી લડનાર કેટલાક નેતાઓના કેમ્પમાં જાહેરમાં દેખાયા હતા. તેમ છતાં તેઓને શહેર પ્રમુખ પદ આપવામાં આવ્યું હતું. આ પ્રમાણે પૂર્વ મેયર સુનિલ સોલંકી સામે પક્ષના જ કેટલાક આગેવાનોએ તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ ગંભીર આક્ષેપો સાથેની સીડી અને દસ્તાવેજાે રજુ કર્યા હતા. જેઓ સામે પક્ષના જ ધારાસભ્યોનો વિરોધ હોવા છતાં તેઓની પણ શહેર મહામંત્રી તરીકે નિંમણૂક કરાઈ હતી. ત્યારે આવી નિંમણૂકોના પગલે ભાજપમાં ચર્ચા ચાલે છેકે હવે પક્ષમાં હોદ્દા મેળવવાની લાયકાત કૌભાંડી કે વિવાદી હોવી જરૃરી છે.

વોર્ડ ૧૫માં કોર્પોરેશનની ટીકીટ પણ નક્કી હતી?

શહેરના પૂર્વ વિસ્તારમાં ૩૫ વર્ષથી દબદબો ધરાવતા ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાને રાજકીય પછડાટ આપવા માટે શહેર સંગઠનના એક જુથે વોર્ડ નંબર ૧૫માં કોર્પોરેટરની ટીકીટ માટે કૌશલ દવેનું નામ ફાયનલ કરી લીધું હતું. એક તબક્કે બે ધારાસભ્ય પુત્રોને ટીકીટ નહીં અપાય તેવા પાર્લામેન્ટ્રી બોર્ડના ર્નિણયનો સીધો ફાયદો કૌશલ દવેને અપાવી ટીકીટ જાહેર કરવાનો તખ્તો તૈયાર થયો હતો. પરંતું ત્યાર બાદ એકશનમાં આવેલા શૈલેષ સોટ્ટાએ કૌશલ દવેના બદલે આશિષ જાેષીની ટીકીટ પર અંતિમ મહોર મરાવી હતી.

રાજ્યના પૂર્વ મંત્રીને બોગસ માર્કશીટ કૌશલે આપી હતી?

બોગસ માર્કશીટના ચર્ચાસ્પદ વિવાદમાં અગાઉ રાજ્યના એક પૂર્વ મંત્રી પણ સપડાઈ ચુક્યા છે. ત્યારે ૨૦૦૯માં બોગસ માર્કશીટ કૌભાંડમાં જેલની હવા ખાઈ આવેલ કૌશલ દવે દ્વારા જ આ દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રીને બોગસ માર્કશીટ આપવામાં આવી હોવાની વાત શહેર ભાજપમાં ચર્ચાઈ રહી છે.