કેરળ-

કેરળના કાલીકટમાં ઍર ઇન્ડિયા એક્સપ્રેસનું બૉઇંગ-737 વિમાન કાલીકટમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 18 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં બે પાઇલટનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે કૅબિન ક્રૂના તમામ ચાર સભ્યો સુરક્ષિત છે. વિમાન દુબઈથી આવી રહ્યું હતું અને તેમાં દસ બાળકો સહિત 190 લોકો સવાર હતા.

શુક્રવાર સાંજે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ ઍર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ કાલીકટ પહોંચ્યા છે. ઍર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ઍરલાઇન્સના મૅનેજિંગ ડિરેક્ટર, સીઈઓ, સીઓઓ અને અન્ય અધિકારીઓ દુર્ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરો અને તેમના પરિવારની મદદ માટે મુંબઈ અને દિલ્હીથી બે વિશેષ રાહતવિમાન મોકલવામાં આવ્યાં છે. ઍર ઇન્ડિયાએ જણાવ્યું છે કે એએઆઈબી, ડીજીસીએ અને ફ્લાઇટ સેફ્ટીવિભાગ દુર્ઘટનાની તપાસ કરી રહ્યા છે. અને ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ દિલ્હી-મુંબઈ, દુબઈ તથા કાલીકટ વચ્ચે સંયોજનનું કામ કરી રહી છે કેન્દ્રીય વિદેશમંત્રી વી. મુરલીધરને બીબીસીના સહયોગી ઇમરાન કુરૈશીને જણાવ્યું, "આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ દુર્ઘટનામાં 11 મુસાફરોનાં મૃત્યુ થયાં છે.

મૃતકોમાં ચાલકદળના એક સભ્યનો પણ સમાવેશ થાય છે. વિમાનમાં મોટા ભાગના એવા મુસાફરો સવાર હતા જેમના વિઝાની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હતી અને નોકરી જતી રહી હતી. વિમાનમાં સવાર 26 મુસાફરો એવા હતા જેઓ નોકરી ગુમાવી ચૂક્યા હતા અને અંદાજે 28 મુસાફરો એવા હતા કે જેમના વિઝા ઍક્સ્પાયર્ડ થઈ ચૂક્યા હતા. કેટલાક એવા મુસાફરો પણ હતા કે જે રજા ગાળવા દુબઈ ગયા હતા પણ કોવિડને પગલે ત્યાં જ ફસાઈ ગયા હતા. આ વિમાન કાલીકટ ઍરપૉર્ટ પર લૅન્ડિંગ કરતી વખતે રનવેથી આગળ નીકળી ગયું. દુર્ઘટનાને પગલે યુએઈના શારજાહ, દુબઈમાં હેલ્પસેન્ટર ઊભા કરાયાં છે. આ દુર્ઘટનાને લઈને કોઝિકોડના કલેક્ટરના નંબર 0495 - 2376901ને હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે.