કેવડિયા-

કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવેલ નર્મદા ટેન્ટ સિટી ખાતે યોજાયેલ રાજ્યના વિધાનસભાના અધ્યક્ષોની ૮૦મી કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા ખેડા જિલ્લાના સાંસદ દેઉસિંહ ચૌહાણ કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત દેશભરના અનેક મહાનુભાવો કોન્ફરન્સમાં આવ્યા હોવાથી આવનાર તમામ વ્યક્તિઓનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવતો હતો, સાંસદ ચૌહાણે સવારથી આવીને અનેક મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓની સાથે સંપર્કમાં આવ્યા બાદ બપોરે કોરોનાનો રિપોર્ટ કઢાવતાં કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા.

આ કોન્ફરન્સમાં લોકસભા અને રાજ્યસભાના સ્પીકરની સાથે સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ખાસ ઉપસ્થતિ રહ્યા હતા. કેવડિયા ખાતે આવેલ ટેન્ટ સિટી-૨ ખાતે ૮૦ મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાઇ હતી. કોરોનાને લઈને કોન્ફરન્સ હોલમાં બે ગજનું અંતર રાખી બેઠક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.