ખાસવાડી સ્મશાન હવે ચિતા માટે ચિંતા ઃ અંતિમવિધિ માટે કલાકો સુધી મૃતદેહ રઝળતાં ડાઘુઓમાં રોષ
08, નવેમ્બર 2023

વડોદરા, તા.૭

કારેલીબાગ વિસ્તારમાં બહુચરાજી રોડ પર આવેલ ખાસવાડી મોક્ષ ધામ ખાતે મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સત્તાધીશો દ્વારા મૃતદેહોના અંતિમ ક્રિયા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં પણ આજે અંતિમ ક્રિયા માટે આવેલા ચાર જેટલા મૃતદેહોના સ્વજનો ને બે થી ત્રણ કલાક ઉભા રહેવાનો વારો આવતા સ્નેહીજનની અંતિમ ક્રિયા માટે આવેલા ડાધુ ઓ માં નારાજગી સાથે છુપા રોશની લાગણી જાેવા મળી હતી. અને જે હતું કે વ્યક્તિને જીવતે જીવતો શાંતિ નથી હોતી પરંતુ વ્યક્તિના મૃત્યુ પછી પણ સમસ્યાઓ તેમજ તકલીફો પીછો છોડતી નથી તેનો આ તાદસ્ય દાખલો હોવાની હૈયા વરાળ ઠાલવી હતી.

અત્રે ઉલ્લેખનીયા છે કે વડોદરા શહેરમાં ચારેય ઝોનમાં આવેલા સ્મશાનો મોક્ષ ધામ પૈકીનું કારેલીબાગ બહુચરાજી ખાસવાડી સ્મશાન મોક્ષધામ આવેલું છે.આ મોક્ષ ધામમાં શહેરના મોટાભાગના સ્વજનો તેમના સ્નેહીજન ના મૃતદેહો અંતિમ ક્રિયા માટે ખાસવાડી સ્મશાન મોક્ષ ધામ ખાતે લાવે છે.

ખાસ વાડી મોક્ષ ધામ ખાતે વર્ષોથી મૃતદેહોની અંતિમ ક્રિયાઓ નગર જનો દ્વારા કરવામાં આવી રહી છે. આ સ્મશાન ઉપર અંતિમ ક્રિયા માટેનું ભારણ વધારે રહેતું હોય છે. જેથી આ સ્મશાનમાં છેલ્લા કેટલાય સમયથી અસુવિધા સાથે ખખડધજ તેમજ જર્જરીત હાલતમાં આવી ગયું હતું.

ત્યારે મહાનગરપાલિકા દ્વારા કારેલીબાગ ખાતે આવેલા ખાસ વાડી મોક્ષધામ સ્મશાનમાં ડાધુઓને સુવિધાઓ મળી રહે તે હેતુથી ‌સુવિધા સભર નવીનીકરણ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ખાસવાડી સ્મશાનના નવીનીકરણ દરમિયાન અંતિમ ક્રિયા માટે મૃતદેહને લઈને આવતા ડાધુઓને અંતિમ ક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આ સ્મશાનમાં ચાર જેટલી ચિતાઓ અંતિમ ક્રિયા માટે કાર્યરત રાખવામાં આવી છે. એટલું જ નહીં શહેરમાં આવેલા અન્ય સ્મશાનોમાં અંતિમ ક્રિયા માટેની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

આજે દિવસ દરમિયાન એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ અવસાન પામતા આ ચારેય વ્યક્તિઓના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે કારેલીબાગ ખાતે આવેલ ખાસવાડી સ્મશાન મોક્ષ ધામ ખાતે સ્નેહીજનો દ્વારા લાવવામાં આવ્યા હતા. જ્યાં સવારથી જ આ ચારેય ચિતાઓ ઉપર અન્ય મૃતદેહોના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હોવાથી બપોરના ૧૨ઃ૦૦ વાગે અંતિમ સંસ્કાર માટે આવેલા બીજા સ્મશાનયાત્રીઓને મૃતદેહ લઈને લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. એટલું જ નહીં આ ડાધુઓને સ્નેહીજન ના મૃત દેહને લઈને બે થી ત્રણ કલાક લાઇનમાં ઊભા રહેવાનો સમય આવતા મૃતકના સ્નેહીજનો અને ડાધુઓમાં છુપા રોષની લાગણી જાેવા મળી હતી. અને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી વૈકલ્પિક વ્યવસ્થામાં સંદર્ભે ટીકાઓ સાથે હૈયા વરાળ ઠાલવી હતી. અને વધુ ચિતાઓની વ્યવસ્થા કરવા માટેની માગણી દોહરાવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution