નડિયાદ : ખેડા જિલ્લાના કોરોના વોરિયર્સ હજુ સુધી મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન યોજનાના લાભથી વંચિત છે. જિલ્લાના નબળાં પ્રશાસનને પૂરવાર કરતો આ કિસ્સો ન માત્ર કોરોના વોરિયર્સનું અપમાન છે, પરંતુ દેશ અને દુનિયામાં આવેલી કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે ખેડા જિલ્લામાં જે કર્મચારીઓ લોકોનાં જીવ બચાવવા માટે ઝઝુમ્યાં છે, તે કર્મચારીઓને ડીમોટિવેટ કરવા અને તેમના મનોબળ પર ઊંડો ઘા પહોંચાડવા માટે જવાબદાર છે. કોરોનાને હરાવવા માટે શરૂ થયેલી ઝુંબેશમાં ખેડા જિલ્લા ઉચ્ચ પ્રશાસનની આ નિષ્ફળતા કોઈક અંશે ખમીરવંતા ખેડા જિલ્લાનું રાજ્યભરમાં અપમાન કરે તેવી પરિસ્થિતિ છે. 

દેશ અને દુનિયામાં આવેલી કોરોના વાઇરસની આપત્તિમાં દરકે જગ્યાએ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અડગ ઊભાં રહી કોરોનાને મ્હાત આપવા માટે ભરપૂર પ્રયત્નો કર્યા છે. હજુ પણ તેઓ કોરોના સામેની જંગમાં પોતાના જીવની પરવાહ કર્યા વિના મજબૂતીથી ફરજ નિભાવી રહ્યાં છે. આવાં સમયે ગુજરાત રાજ્યની સરકારે જિલ્લા પ્રમાણે કોરોનાની જંગમાં ઊતરેલાં આ કર્મચારીઓનું સન્માન જળવાઈ રહે અને તેમનાં મનોબળમાં વધારો થાય તે માટે મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન યોજના અમલમાં મૂકી છે, જેમાં દરેક જિલ્લામાં ફરજ બજાવતાં કર્મચારીઓમાંથી કોરોનાના કપરાં કાળ દરમિયાન જે કર્મચારીએ મહિનામાં ૩૦ દિવસ પૂરાં ભર્યા હોય તેને તેનાં હોદ્દા પ્રમાણે નિયત કરાયેલ રકમ આપવામાં આવે છે.

આ અંતર્ગત રાજ્યભરમાં શરૂ કરાયેલાં કોવિડ કેર સેન્ટર, જ્યાં કોરોના પોઝિટિવ દર્દીઓને રાખવામાં આવે છે, તેવાં આઇસોલેશન વોર્ડમાં દર્દીઓના સીધા સંપર્કમાં આવતાં હોય તેવાં તબીબ અધિકારીઓ, પેરા મેડિકલ કર્મચારીઓ અને આઉટસોર્સિંગ તેમજ ફિક્સ પગારમાં ફરજ બજાવતાં (વર્ગ-૩ અને ૪)ના કર્મચારીઓની ચકાસણી કરી તેમને મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન યોજના અંતર્ગત પ્રોત્સાહક રકમ આપવાની જાેગવાઈ કરી છે.

દરેક જિલ્લા માટે કરાયેલી આ જાેગવાઈ પૈકી રાજકોટ અને ભાવનગર સહિતના જિલ્લામાં આ યોજનાનું અમલીકરણ કરી દેવાયુ છે, પરંતુ સાક્ષર નગરી અને સમૃદ્ધ જિલ્લા તરીકેની છાપ ધરાવતાં ખેડા જિલ્લામાં આ યોજનાનું અમલીકરણ કરવામાં જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા કલેક્ટર નિષ્ફળ રહ્યાં હોવાની બૂમ ઊઠી છે. જિલ્લાના કોરોના વોરિયર્સ દ્વારા આ અંગે અનેકવાર આરોગ્ય પ્રશાસન અને જિલ્લાના સમાહર્તા સુધી વાંરવાર રજૂઆતો કરાઈ હોવા છતાં પ્રશાસન અમલીકરણમાં બિલકુલ નિષ્ફળ રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓની બેદરકારીને કારણે ખમીરવંતા ખેડા જિલ્લા પર ડાઘ પડ્યો છે. બીજીતરફ રાત-દિવસ એક કરી કોરોના સામેની લડાઈને મજબૂત બનાવનારાં જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ લાલઘૂમ થયાં છે, જેથી આ યોજના અને રાજ્ય સરકારના ફરમાનને તાત્કાલિક સંજ્ઞાનમાં લઈ જિલ્લા સમાહર્તા દ્વારા આરોગ્ય વિભાગને દિશા-નિર્દેશો આપવામાં આવે તેવી માગ પ્રબળ બની છે. 

અમલીકરણ થાય તો નિષ્ઠાવાન કર્મચારીઓને માનદ વેતન મળે!

સરકારે નક્કી કર્યા મુજબ આ યોજનામાં નિષ્ઠાવાન કર્મચારીઓને તેમનાં હોદ્દા પ્રમાણે ૨૫,૦૦૦, ૧૫,૦૦૦ અને ૧૦,૦૦૦ રૂપિયા પ્રોત્સાહન રૂપે રકમ મળે તેમ છે. દિવાળીનો તહેવાર માથા પર હોવાથી કોરોના વોરિયર્સને આ રકમ મદદરૂપ થાય તેમ પણ છે.